તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
સાંધાના વા સહિત રૂમેટોલોજીની વિવિધ બીમારીઓની અત્યાધુનિક સારવાર માટે ‘રુમાકેર' સેન્ટરનો પ્રારંભ
સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને મળશે ઉચ્ચસ્તરીય સારવારઃ કુંવરજીભાઈ બાવળિયાના પુત્ર ડો. મનીષ બાવળિયા અને વરિષ્ઠ રૂમેટોલોજિસ્ટ ડો. એસ.એસ. ચીકાણી પૂર્ણકાલીન સેવાઓ આપશે

રાજકોટ : સૌરાષ્ટ્ર-કચ્છના સાંધાના વા અને રૂમેટોલોજી સંબંધિત વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓને ગુણવત્તાયુક્ત અને અત્યાધુનિક સારવાર સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી રાજકોટમાં ‘રુમાકેર'ના આધુનિક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભારતમાં તબીબો દ્વારા સંચાલિત અગ્રણી રૂમેટોલોજી નેટવર્ક તરીકે ઓળખાતા ‘રુમાકેર' દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છનું વિશાળ અને અત્યાધુનિક સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં રાજકોટના ખ્યાતનામ વરિષ્ઠ રૂમેટોલોજિસ્ટ ડો. એસ.એસ. ચીકાણી અને ડો. મનીષ બાવળિયા પોતાની પૂર્ણકાલીન તબીબી સેવાઓ આપશે.
ઉદ્ધાટન સમારોહમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ડો. મનીષ બાવળિયાના પિતાશ્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્યો દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરિયા, જયેશભાઈ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર નેહલભાઈ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળિયા, રાજકોટ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિત તબીબી, સામાજિક, રાજકીય અને પત્રકારત્વ ક્ષેત્રના અગ્રણીઓ તથા જસદણ-વીંછિયા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
‘રુમાકેર'નો મુખ્ય ઉદ્દેશ સાંધાના વા સહિત રૂમેટોલોજીની વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓને ગુણવત્તાયુક્ત અને આર્થિક રીતે પરવડે તેવી સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. સારવાર ઉપરાંત વિવિધ રોગો અંગે વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરી ભારતીય દર્દીઓ સંબંધિત સંશોધનને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે પણ આ નેટવર્ક દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં આ અત્યાધુનિક સેન્ટરની સ્થાપનાથી સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને ઘરઆંગણે જ ઉચ્ચ કક્ષાની નિષ્ણાત તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે. રૂમેટોલોજી ક્ષેત્રે સારવાર, સંશોધન અને જનજાગળતિને વિશેષ પ્રોત્સાહન મળશે તેમજ દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવામાં આ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા ડો. એસ.એસ. ચીકાણી અને ડો. મનીષ બાવળિયાએ વ્યક્ત કરી હતી.
(4:02 PM IST)










