તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
નવા ભળેલા પાંચ ગામોમાં વિકાસકામો પાછળ રૂ. ૪૩૫ કરોડનો ખર્ચ
મોટા મવા, મુંજકા, માધાપર, મનહરપુર-૧ અને ઘંટેશ્વરમાં ગટર, પાણી અને રસ્તાનાં કુલ ૭૬ કામ કરાયાઃ ગ્રાન્ટ અને બજેટની ઉપલબ્ધતા મુજબ કામગીરી થતી હોવાનો મ્યુનિ. તંત્રનો જવાબ

રાજકોટ,તા.૨૪: મહાનગરપાલિકાની હદમાં વર્ષ ૨૦૨૦માં ભેળવવામાં આવેલા મોટા મવા, મુંજકા, માધાપર, મનહરપુર-૧ અને ઘંટેશ્વર સહિતના પાંચ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અત્યાર સુધીમાં રૂ. ૪૩૫.૭૮ કરોડના ખર્ચે કુલ ૭૬ વિકાસકામો કરવામાં આવ્યા હોવાનું મ્યુનિ. તંત્ર દ્વારા જનરલ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવાયું છે.
મ્યુનિ. તંત્રના જણાવ્યા મુજબ નવા ભળેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, પીવાનું પાણી અને રસ્તા સહિતની પાયાની સુવિધાઓ વિકસાવવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભૂગર્ભ ગટરનાં રૂ. ૧૭૬.૪૫ કરોડના ખર્ચે ૨૮ કામ, પાણી પુરવઠાનાં રૂ. ૧૭૪.૦૯ કરોડના ખર્ચે ૨૩ કામ તથા રસ્તાનાં રૂ. ૮૫.૨૪ કરોડના ખર્ચે ૨૫ કામ કરવામાં આવ્યા છે.
જોકે, નવા ભળેલા આ પાંચ ગામોમાં તમામ નાગરિકોને પાણી, ગટર અને રસ્તા સહિતની પાયાની સુવિધાઓ કયારે ઉપલબ્ધ થશે તે અંગે મ્યુનિ. તંત્ર દ્વારા કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. ગ્રાન્ટની ઉપલબ્ધતા અને બજેટમાં થતી જોગવાઈ મુજબ તબક્કાવાર વિકાસકામો હાથ ધરવામાં આવતા હોવાનું લેખિત જવાબમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
દરમિયાન, નવા ભળેલા ગામોના કયા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રસ્તા અને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તથા કયા વિસ્તારોમાં હજુ આ સુવિધાઓ બાકી છે તેની વિસ્તારવાર વિગતો દર્શાવતી ૧૭ પાનાંની વિસ્તળત યાદી પણ મ્યુનિ. તંત્ર દ્વારા જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવી હતી. (૯.ર૪)
વિકાસકામો પાછળ કયાં કેટલો ખર્ચ?
ભૂગર્ભ ગટર : ૨૮ કામ - રૂ. ૧૭૬.૪૫ કરોડ
પાણી પુરવઠો : ૨૩ કામ - રૂ. ૧૭૪.૦૯ કરોડ
રસ્તાનાં કામ : ૨૫ કામ - રૂ. ૮૫.૨૪ કરોડ
કુલ : ૭૬ વિકાસકામો - રૂ. ૪૩૫.૭૮ કરોડ
(3:28 PM IST)










