News of Saturday, 20th June 2026
ધોરણ-૯ની ૧૫ વર્ષની બાળાનું અપહરણ કરી ઋત્વીક ખેતરીયાએ બળાત્કાર ગુજાર્યો
શાળાએ ગયેલી દિકરી ગૂમ થતાં પરિવારે શોધખોળ આચરીઃ રાતે ઘરે આવી પોતાને ઋત્વીકે ત્રંબોળા ગામે લઇ જઇ બળજબરી આચર્યાનું અને અગાઉ પણ બે વખત દૂષ્કર્મ કર્યાનું કહેતાં પરિવારજનો ચોંકી ગયાઃ થોરાળા પીઆઇ એસ. પી. સોઢાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૦: શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની છાત્રાને ફસાવી અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. થોરાળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ થોરાળા પોલીસે આ બારામાં ભોગ બનનાર બાળાની માતાની ફરિયાદ પરથી ઋત્વીક મોહનભાઇ ખેતરીયા (ઉ.વ.૧૯, રહે. ગંજીવાડા-૨૫ના ખુણે) વિરૂધ્ધ અપહરણ દુષ્કર્મ-પોક્સો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. ભોગ બનનાર બાળા ૧૫ વર્ષ અને ૧૭ દિવસની ઉમરની છે. તે ધોરણ-૯માં અભ્યાસ કરે છે. ગત તા. ૧૮ના રોજ તે શાળાએ ગઇ હતી પણ સાંજના છ સુધી પરત ન આવતાં તપાસ કરવામાં આવી હતી. પણ પત્તો મળ્યો નહોતો.
આ પછી રાત્રે આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ ડરેલી અને ગભરાયેલી હાલતમાં ઘરે પરત આવી હતી. પરિવારે જ્યારે પુછપરછ કરી ત્યારે બાળકીએ પોતાની સાથે ઘટેલી આપવીતી જણાવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળાએ કહ્યું હતું કે તેણીને ગંજીવાડા શેરી નં. ૨૫ના ખૂણે રહેતો ઋત્વીક ખેતરીયા ભગાડીને તેના ગામ ત્રંબોળા ખાતે લઇ ગયો હતો અને ધાકધમકી આપી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો. અગાઉ પણ આ રીતે તેણે બે વખત બળજબરી આચરી લીધાનું કહેતાં પરિવારજનો ચોંકી ગયા હતાં. બાળાને સાથે લઇ થોરાળા પોલીસ સ્ટેશને પહોંચતા પીઆઇ શક્તિસિંહ પી. સોઢા સહિતની ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(2:25 PM IST)










