News of Thursday, 21st May 2026
રિક્ષાગેંગ ફરી ઝળકીઃ ઉલ્ટી ઉબકાનું નાટક કરી યુપીના યુવાનની રોકડ સેરવી લીધી
શાપર કપડા ખરીદવા જઇ રહેલો યુવાન બે મિત્રો સાથે રિક્ષામાં બેઠો હતોઃ ગોંડલ રોડ પર ઉતારી મુક્યોઃ આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૧: શહેરમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવીને ખિસ્સા કાતરતી ગેંગ ફરી એકવાર સક્રિય થઈ છે. કોઠારીયા સોલવન્ટ ફાટકથી શાપર કપડાં ખરીદવા જવા માટે સીએનજી રીક્ષામાં બેસેલા મુળ ઉત્તર પ્રદેશના અને હાલ રાજકોટમાં ખાનગી નોકરી કરતા યુવકને રીક્ષા ચાલક અને તેના સાગરીતે પુર્વઆયોજિત કાવતરૂં રચી ઉલ્ટી ઉબકાનું નાટક કરી રોકડ સેરવી લઇ ઉતારી મુક્યો હતો.
આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતાં મુળ યુપીના કાહતા હમીરપુરના મોનુ મુગાલાલ શાહુ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. મોનુ કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૯/૪ના સાંજના આશરે છએક વાગ્યાના સુમારે તે તેના બે મિત્રો અજય અને અજીત સાથે નવા કપડાની ખરીદી કરવા માટે શાપર જવા નીકળ્યો હતો. કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે ત્રણેય મિત્રો એક સીએનજી ઓટો રીક્ષામાં બેઠા હતા.
મોનુ અને તેનો મિત્ર અજય રીક્ષાની પાછળની સીટ પર બેઠા હતા, જ્યાં અગાઉથી જ એક અજાણ્યો પેસેન્જર બેઠેલો હતો. જ્યારે ત્રીજો મિત્ર અજીત રીક્ષાના ડ્રાઈવરની બાજુમાં આગળની સીટ પર બેઠો હતો. રીક્ષા થોડી આગળ વધી એટલે પાછળ બેસેલા અજાણ્યા શખ્સે મોનુની બાજુમાં બેસેલા અજયને આગળ જવા કહ્યું અને આગળથી અજીતને પાછળ બોલાવ્યો. આ રીતે રીક્ષાની અંદર જ સીટોની અદલાબદલી કરાવી દીધી. આ વિચિત્ર હિલચાલ જોઈને મોનુને શંકા ગઈ અને તેણે રીક્ષા ચાલકને ટોકતા કહ્યું કે આવું કેમ કરો છો? આવી રીતે અદલાબદલી કરવી હોય તો અમોને અહીં જ ઉતારી દો.
મોનુ કઈ આગળ વિચારે તે પહેલાં જ તેની બાજુમાં બેસેલો અજાણ્યો શખ્સ અચાનક જોરજોરથી ઉલ્ટી અને ઉબકા આવતા હોય તેવો ઢોંગ કરવા લાગ્યો હતો. રીક્ષા હજુ શિવ હોટલ પાસે પહોંચે તે પહેલાં જ રીક્ષા ચાલક અને પાછળ બેસેલો શખ્સ મોનુ અને તેના મિત્રોને વાતોના વડાં કરી ગલ્લે-તલ્લે ચડાવવા લાગ્યા હતા. બાદમોં ચાલકે રીક્ષા ઊભી રાખી દીધી અને મોનુને કહ્યું કે-તમે લોકો અહીં તાત્કાલિક નીચે ઉતરી જાઓ, નહીંતર આ ભાઈ તમારા પર ઉલ્ટી કરી દેશે અને તમારા કપડાં બગાડી નાખશે. તેઓ નીચે ઉતર્યા કે તુરંત જ રીક્ષા ચાલક ફૂલ સ્પીડે પોતાની રીક્ષા ભગાડીને નાસી છૂટયો હતો.
રીક્ષા ગયા બાદ મોનુને કંઈક અજુગતું થયું હોવાની શંકા દ્રઢ થતાં તેણે તુરંત જ પોતાના પેન્ટના પાછળના જમણી બાજુના ખિસ્સામાં હાથ નાખ્યો હતો. ખિસ્સામાં જોતા જ તેના હોશ ઊડી ગયા હતા, કારણ કે તેનું પાકીટ ગાયબ હતું. આ પાકીટમાં રોકડા ૩,૦૦૦ તેમજ તેના આધાર કાર્ડ અને અન્ય જરૂરી સરકારી દસ્તાવેજો હતા. મોનુ અને તેના મિત્રોએ પોતાની રીતે આ સીએનજી રીક્ષા અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી હતી. પણ પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી. આજીડેમના એએસઆઇ કે. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:53 PM IST)










