<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર પાર્કમાં પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારી, પત્ની અને પુત્રએ ઝેર પીધું: પત્ની સ્મિતાબેન ખખ્ખરનું મોત, પતિ દિલીપભાઈ અને પુત્ર નિશીત સારવાર હેઠળ

પ્રાથમિક તપાસમાં આ પગલું આર્થિક સંકટ અને નાણાકીય ભીંસના કારણે ભરવામાં આવ્યું હોવાનું અનુમાન

રાજકોટ: શહેરમાં અત્યંત કરુણ ઘટના સામે આવી છે.  સાધુ વાસવાણી રોડ પર આવેલ યોગેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતા અને માર્ગ અને મકાન વિભાગમાંથી નિવૃત્ત થયેલા એક કર્મચારીએ પોતાના પત્ની અને પુત્ર સાથે મળીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઘરમાં જ ઝેરી દવા ગટગટાવી લેતાં પત્નીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જ્યારે પિતા અને પુત્રની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓને હોસ્પિટલમાં આઈસીયુ વિંગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ પગલું આર્થિક સંકટ અને નાણાકીય ભીંસના કારણે ભરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

મળતી વિગતો અનુસાર, સાધુ વાસવાણી રોડ પર આવેલ યોગેશ્વર પાર્કમાં રહેતા નિવૃત્ત પીડબ્લ્યુડી કર્મચારી દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર, તેમના પત્ની સ્મિતાબેન ખખ્ખર અને પુત્ર નિશીત ખખ્ખરે કોઈ અગમ્ય કારણોસર ઘરમાં જ એકસાથે કોઈ ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ આસપાસના લોકોને થતાં જ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પડોશીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને બનાવ અંગે ૧૦૮ એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી હતી.

ઘટનાની માહિતી મળતા જ ૧૦૮ની ટીમ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પૂર્વે અથવા સારવાર દરમિયાન સ્મિતાબેન ખખ્ખરનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ દિલીપભાઈ ખખ્ખર અને તેમના પુત્ર નિશીતની હાલત અત્યંત ગંભીર હોવાથી તેઓને વેન્ટિલેટર અને આઈસીયુ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ બંનેના જીવન બચાવવા માટે સતત પ્રયાદ કરી રહી છે.

બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પ્રાથમિક પૂછપરછ અને મળતી વિગતો મુજબ, આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી ભારે આર્થિક મુશ્કેલીઓ અને નાણાકીય ભીંસમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જ આર્થિક સંકટથી કંટાળીને સમગ્ર પરિવારે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી નમૂનાઓ એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તથા આર્થિક ભીંસ સિવાય અન્ય કોઈ અન્ય કારણ છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાતના પ્રયાસ અને ગૃહિણીના મોતથી સમગ્ર યોગેશ્વર પાર્ક અને રાજકોટ શહેરમાં ચર્ચા જાગી છે

(9:00 PM IST)