<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

દારૂના કેસના સમાધાન માટે ગરૂડ ગરબી ચોકમાં બોલાવી તલવાર-ધારીયાના ઘાઃ શાકીરખાનનો ઢીંચણ ભાંગી નાંખ્‍યો

કલર કામ કરતાં શાકીરખાનના મોટા બાપુના દિકરા બિલાલને ક્રાઇમ બ્રાંચે દારૂમાં પકડયો હોઇ ટીકુ પઠાણ, તેનો ભાઇ ચંગો, સાહિલ, અસીમે વાત કરવા બીલાલના ભાઇ નોઇનખાનને બોલાવ્‍યો હતોઃ સાથે શાકીરખાન જતાં તેના પર તૂટી પડયાઃ એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયા અને ટીમે આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી : ડીસીબીની ટીમે ગઇકાલે બિલાલને રૂા. ૧.૧૫ લાખનો દારૂ ભરેલી રિક્ષા સાથે પકડયો હતો

 

રાજકોટ તા. ૨૦: રામનાથપરા ગરૂડ ગરબી ચોકમાં રાત્રીના આ વિસ્‍તારમાં જ રહેતાં અને કલર કામ કરતાં યુવાન તથા તેના મોટા બાપુના દિકરા પર ચાર શખ્‍સોએ આજે તો મારી જ નાખવા છે કહી તલવાર-ધારીયાથી હુમલો કરતાં એકને ગંભીર ઇજા થઇ હતી અને ઢીંચણ ભાંગી ગયો હતો. ઘાયલ યુવાનના મોટા બાપુના દિકરાને દારૂના કેસમાં ક્રાઇમ બ્રાંચે પકડયો હોઇ તેના સમાધાનની વાત કરવા હુમલાખોરોએ ગરૂડ ગરબી ચોકમાં બોલાવતાં યુવાન અને તેનો કુટુંબી ભાઇ ત્‍યાં જતાં આ હુમલો થયો હતો.

જાણવા મળ્‍યા મુજબ રામનાથપરા શેરી નં. ૬ હુશેની ચોક ખાનસાહેબ મંજીલ મકાન ખાતે રહેતાં અને કલર કામ કરી ગુજરાન ચલાવતાં શાકીરખાન હમીદખાન યુસુફી (ઉ.વ.૨૭) પર રાતે ગરૂડ ગરબી ચોકમાં હુમલો થતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. શાકીરખાનની ફરિયાદ પરથી ટીકુભાઇ, ટીકુનો ભાઇ ચંગો, સાહિલ પરમાર અને અસીમ પરમાર વિરૂધ્‍ધ તલવાર-ધારીયાના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડવાનો ગુનો નોંધ્‍યો છે.

શાકીરખાન યુસુફી-પઠાણએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કલર કામની મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. હું એક બહેનથી મોટો છું અને મારે સંતાનમાં એક દિકરો છે. રવિવારે રાતે સવા અગીયારેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે મારા મોટા બાપુ નજીરખાનના દીકરા નોઇનખાનને મારા મોબાઇલ માંથી ફોન કરતા આ નોઇનખાને મને ફોનમાં કહેલ કે સવારે મારો નાનો ભાઈ બીલાલ દારૂમાં પકડાઇ ગયો હતો. તેના સમાધાન માટે ટીકુ પઠાણ તથા તેનો ભાઇ ચંગો તથા સાહીલ પરમાર તથા અસીમ પરમાર આ બધા થોડીવારમાં ગરૂડ ગરબી ચોક તાંબુલ પાન પાસે આવવાના છે. આથી મેં નોઇન ખાનને કહેલ કે હું પણ ત્‍યાં આવુ છુ. આ વાત થયા બાદ હું ત્‍યાં ગરૂડ ગરબી ચોકમાં ગયો હતો અને મારા મોટા બાપુના દિકરા નોઇનખાનને મળ્‍યો હતો.

ત્‍યારે રાત્રીના સાડા અગીયારેક વાગ્‍યે આ ટીકુ પઠાણ તથા તેનો ભાઇ ચંગો તથા સાહીલ પરમાર તથા અસીમ પરમાર આ ચારેય જણાઓ પોતાના વાહનો લઈને ધારીયા તથા તલવાર સાથે આવ્‍યા હતાં અને અમને બંને ભાઇને ‘આજે તો તમને મારી જ નાખવા છે, અમે એટલે જ બધા આવ્‍યા છીએ' તેમ ચારેયએ મને તથા મારા મોટા બાપુના દિકરા નોઇનખાનને જેમફાવે તેમ ભુંડી ગાળો દીધી હતી. બાદ આ બધા મારા ભાઇ નોઇનખાનને માર મારતા હાઇ જેથી હું વચ્‍ચે પડતા ટીકુ અને તેના ભાઈ ચંગા એ મને જમણા પગમાં ઢીંચણ ના ભાગે ઉંધુ ધારીયુ મારેલ તેમજ ડાબા પગના થાપાના ભાગે ધારીયુ તેમજ તલવારના ઘા મારી દેતાં હું વધુ મારથી બચવા રોડ પર ભાગવા માંડયો હતો.

તેમજ હું રાડા રાડી કરવા માંડતા ત્‍યાં માણસો ભેગા થઇ જતાં ચારેય જણા પોતાના વાહનો લઇ ભાગી ગયા હતાં. મને જમણા પગમાં ઢીચણના ભાગે તેમજ ડાબા પગમાં થાપાના ભાગે ગંભીર પ્રકારની ઇજા થઇ હતી. તેમજ  માથામાં તેમજ શરીરે સામાન્‍ય મુંઢ ઇજા થઇ હોઇ મોટા બાપુનો દિકરો નોઇનખાન અને મારો ભાઇ સોયેબ તથા બાપુજી હમીદખાન મને ખાગી વાહન મારફત સિવિલ હોસ્‍પિટલમાં લાવ્‍યા હતાં. તબિબે મારા જમણા પગમાં એકસ-રે રીપોર્ટ કરાવતા  ઢીચણના ભાગે ફ્રેકચર જેવી ગંભીર પ્રકારની ઇજા થયાનું જણાયુ હતું. ડાબા પગના થાપાના ભાગે ટાંકા લીધા હતાં. આ હુમલાનું કારણ એવુ છે કે રવિવારે સવારે મારા મોટા બાપુ નજીરખાનનો દિકરો બીલાલ દારૂ કેસમાં ક્રાઇમ બ્રાંચમાં પકડાયો હતો.

આ બાબતે સમાધાન કરવા અને વાત કરવાના બહાને ટીકુ પઠાણ તેના ભાઇ ચંગો સહિતે ગરૂડ ગરબી ચોકમાં બોલાવ્‍યા હોઇ જેથી હું અને બીલાલનો મોટો ભાઇ નોઇનખાન ગરૂડ ગરબી ચોકમાં જતાં ટીકુ સહિતાનાએ તલવાર-ધારીયા સાથે આવી આજે તો બંનેને મારી નાંખવા છે તેમ કહી હમુલો કર્યો હતો. તેમ વધુમાં શાકીરખાને જણાવતાં એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં એએસઆઇ આર. જી. ચોૈહાણે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાતે ગરૂડ ગરબી ચોકમાં માથાકુટ થયાની જાણ થતાં એ-ડિવીઝન પોલીસનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ડીસીબીના સંજયભાઇ અલગોતર, કરણભાઇ કોઠીવાર, અરવિંદભાઇ ફતેપરા સહિતે ગ્રીનલેન્‍ડ ચોકડીએથી રામનાથપરા હુશેની ચોક-૬માં રહેતાં બીલાલ નજીરભાઇ યુસુફી (ઉ.વ.૩૦)ને જીજે૦૩બીયુ-૫૬૭૭ નંબરની રિક્ષામાં રૂા. ૧,૧૫,૨૦૦ની કિંમતના ૫૭૬ વિદેશી દારૂના ચપલા સાથે પકડી લઇ રિક્ષા મળી કુલ રૂા. ૧,૬૬,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ પછી બિલાલના ભાઇ નોઇનખાન અને કાકાના દિકરા શાકીરખાન પર દારૂના આ કેસ મામલે વાત કરવાના બહાને ટીકુ પઠાણ, તેના ભાઇ ચંગો સહિતે હુમલો કર્યો હતો. (૧

(2:52 PM IST)