<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

રાજકોટ જીલ્લામાં ૩૦ થી વધુ હાઇવે પર ડીવાઇડર તોડી પડાયાનો રીપોર્ટ : રીપેર નહી કરાય તો ડિવાઇડર તોડનાર સામે ફોજદારી

જેતપુર-પોરબંદર અને રાજકોટ-જામનગર હાઇવે પર રર ડીવાઇડર તોડી નાખ્‍યાનો આરટીઓનો રીપોર્ટ : કલેકટરે કરેલા આદેશોઃ ભરૂડી-પીઠડીયા ટોલ પ્‍લાઝા પરથી ઇ-ડીટેકશનના ડેટા અપલોડ કરવા તાકીદ

રાજકોટ, તા., ૨ :  રાજકોટ જિલ્લામાં સ્‍ટેટ તથા નેશનલ હાઈવે પર ડીવાઈડર તોડીને વાહનોની અવરજવર માટે ગેરકાયદે ગેપ ઇન મીડિયન કરનારા તત્‍વો સામે પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવાનો આદેશ જિલ્લા ક્‍લેક્‍ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા આપવામાં આવ્‍યો છે.

ક્‍લેક્‍ટર  ડો. ઓમ પ્રકાશના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા રોડ સેફ્‌ટી કમિટીની બેઠક  યોજાઈ હતી. આર.ટી.ઓ. દ્વારા ગેપ ઈન મીડિયન અંગેનો અહેવાલ  રજૂ કરવામાં આવ્‍યો હતો. જેમાં જણાવાયું હતું કે, જિલ્લામાં વિવિધ હાઇવે પર ૩૦થી વધુ હાઇવે પર ડિવાઇડર તોડીને ગેરકાયદે ગેપ ઈન મીડિયન ઊભા કરવામાં આવ્‍યા છે. જેમાં રાજકોટ-ભાવનગર હાઈ-વે (SH-૨૫) પર પાંચ, આટકોટથી જસદણ હાઇ-વે પર ત્રણ, રાજકોટથી કાલાવડ હાઇ-વે(SH-૨૩) પર બે, જેતપુર-સોમનાથ હાઇ-વે(NH-૨૭) અને જેતપુર-પોરબંદર હાઇ-વે પર નવ, રાજકોટથી જામનગર હાઇ-વે(SH-૨૫) પર ૧૩ જગ્‍યાએ ડિવાઇડર તોડી નંખાયા છે.

આ તકે જિલ્લા કલેક્‍ટરએ ફરમાવ્‍યું હતું કે, જે કોઈ વ્‍યક્‍તિ, પેટ્રોલ પંપ સંચાલક, હોટલમાલિક, ખાણી-પીણી કે ઢાબાવાળા, વગેરેએ  મીડિયન તોડ્‍યા છે, તેઓ પોતાના ખર્ચે તાત્‍કાલિક બંધ કરે, અન્‍યથા પોલીસ ફરિયાદ કરવામાં આવશે. ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટીને ભરૂડી અને પીઠડીયા ટોલપ્‍લાઝા ખાતેથી ઈ-ડીટેકશનના ડેટા સમયસર અપલોડ કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ સાથે હાઇવે પરના તમામ ગેપ ઇન મીડિયન ૧૫ દિવસમાં બંધ કરવા સૂચના આપવામાં આવી હતી.  અનધિકળત રીતે મીડિયન ગેપ બનાવવા, ખોલવા અથવા નુકસાન પહોંચાડવાના કિસ્‍સામાં પોલીસ ફરિયાદ કરવા માટે સંબંધિત નાયબ કાર્યપાલક ઇજનેરને અધિકળત અધિકારી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. આવા કિસ્‍સાઓમાં સંબંધિત નાયબ કાર્યપાલક ઇજનેરને નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.  ઉપરાંત જિલ્લામાં હાઈવે પર આવતા ભયજનક વળાંક સહિતના અકસ્‍માત સંભવિત ક્ષેત્રોની તપાસ કરીને યોગ્‍ય  સાઈનેજ, રિફ્‌લેક્‍ટર લગાવવા સહિતની સૂચના આપી હતી. જિલ્લામાં અકસ્‍માતનો ભોગ બનનાર વ્‍યક્‍તિઓને મદદ કરવા બદલ ‘રાહવીર યોજના' અંતર્ગત બે યુવકનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. 

(2:56 PM IST)