તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે યોગ ક્ષેત્રે એમઓયુનું પુનઃનવીનીકરણ
યોગ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છેઃ કુલપતિ ઉત્પલભાઈ જોશી

રાજકોટ, તા.૨૬: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે વર્ષ ૨૦૨૨માં થયેલ સમજૂતી કરારના સફળ ત્રણ વર્ષ પૂર્ણ થતા આજે આ કરારનું પુનઃનવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર ડૉ.અજયસિંહ જાડેજા, ગુજરાત
યોગ બોર્ડ તરફથી નીતાબેન દેસાઈ તેમજ ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ.હરીશ રાબાની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ કરારને નવેસરથી અમલી બનાવવામાં આવ્યો.
આ એમઓયુના પુનઃનવીનીકરણનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ભવનોના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારને યોગ સાથે વધુ સક્રિય રીતે જોડવાનો છે. સાથે સાથે યોગના નવા ક્ષેત્રો અને આયામો વિકસાવવા માટે ગુજરાત યોગ બોર્ડ સાથે સંયુક્ત ?યાસો હાથ ધરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત પ્રયત્નોથી યોગનો પ્રચાર-પ્રસાર રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર રીતે વધ્યો છે. યોગાસન, પ્રાણાયામ અને યોગ આધારિત જીવનશૈલી અપનાવી વિદ્યાર્થીઓમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની દિશામાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે.
આ પ્રસંગે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં નિયમિત યોગ પ્રવળત્તિઓ વધુ મજબૂત બનાવવામાં આવશે તેમજ વિવિધ કોલેજોમાં યોગ વિષયને અભ્યાસક્રમના ભાગરૂપે વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. યોગ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે, જે વિદ્યાર્થીઓને વધુ સક્ષમ અને સંતુલિત જીવન તરફ દોરી શકે છે. આ એમઓયુ થવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યોગ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન હાંસલ કરશે અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની વધુ તકો પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
(3:06 PM IST)










