તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
બે આવાસ ધરાવતા, પતિ- પત્નીના નામે અથવા ભાડે આપેલ આવાસ અંગે માહિતી આપોઃ મનપા
તંત્ર દ્વારા ફાળવણીમાં વધુ પારદર્શિતા તથા સુદ્રઢતા લાવવા લોકોને અપીલઃ નામ ગુપ્ત રખાશે

રાજકોટ તા.૩: મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આવાસોની ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી રહે તેમજ કોઈપણ આસામી ગેરરીતિ આચરીને આવાસ યોજનાનો લાભ ન લઈ જાય તે માટે સતત અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં નાગરિકોની ભાગીદારી પણ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં કોઈપણ આસામીના નામે બે આવાસ હોવાનું અથવા પતિ-પત્ની બંનેના નામે અલગ-અલગ આવાસ ફાળવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવે તો તાત્કાલિક આવાસ યોજના વિભાગના ચેરમેન અથવા આવાસ યોજના વહીવટી શાખા, રૂમ નં. ૦૨, બીજો માળ, ડો. આંબેડકર ભવન ખાતે જાણ કરવા અપીલ કરવામાં આવે છે.
આવી માહિતી આપનાર નાગરિકનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તે જ રીતે, નિયત સમયગાળા દરમિયાન આવાસોની ચકાસણીની કામગીરી વધુ અસરકારક બને તે માટે કોઈ લાભાર્થીએ પોતાને ફાળવાયેલ આવાસ ભાડે આપેલ હોવાનું ધ્યાને આવે તો તેની માહિતી પણ રાજકોટ મહાનગરપાલિકાને આપવા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતીના આધારે નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તથા માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
સોફ્ટવેર વિકસાવાયો
મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનામાં પારદર્શિતા અને ચકાસણીની પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવા એક વિશેષ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરમાં અરજદારનો આધારકાર્ડ નંબર અને/અથવા ચૂંટણીકાર્ડ નંબર દાખલ કરીને સંબંધિત અરજદારે અગાઉ રાજકોટ મહાનગરપાલિકા પાસેથી આવાસ મેળવ્યો છે કે નહીં તેની માહિતી ત્વરિત મેળવી શકાય છે.
આ સોફ્ટવેરમાં જો કોઈ અરજદારના આધારકાર્ડ નંબર અથવા ચૂંટણીકાર્ડ નંબરની ડુપ્લીકેટ એન્ટ્રી જોવા મળે તો તુરંત રેડ-ફ્લેગ અલર્ટ જનરેટ થાય છે. સાથે જ આવા ડુપ્લીકેટ રેકોર્ડની અલગ એક્સેલ-શીટ પણ આપમેળે જનરેટ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સોફ્ટવેરના ઉપયોગથી અત્યાર સુધીમાં ૧૦ એવા અરજદારોની ઓળખ કરવામાં આવી છે કે જેમણે પોતાના નામે બે આવાસ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. આવા અરજદારો સામે નિયમોનુસાર આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, બે આવાસ, પતિ-પત્ની બંનેના નામે આવાસ અથવા આવાસ ભાડે આપવાના કિસ્સા અંગેની માહિતી મહાનગરપાલિકાને અવશ્ય પહોંચાડે. નાગરિકોના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાની ફાળવણી વધુ પારદર્શક, ન્યાયી અને ગેરરીતિમુક્ત બની શકશે.(૨.
(2:24 PM IST)










