<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

મારવાડી યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થીઓના આપઘાત બનાવમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, સેફટી, બેદરકારી અંગે તટસ્‍થ તપાસ યોજો

NSUIનું કલેકટરને આવેદનઃ વિદ્યાર્થીઓ ઉપર કોઇપણ પ્રકારનું દબાણ છે કે નહી તે અંગે પણ તપાસ જરૂરી

રાજકોટ, તા. ૩૦: એનએસયુઆઇના રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી મારવાડી યુનિવર્સિટીમાં ટૂંકા ગાળામાં બે વિદ્યાર્થીઓના દુઃખદ આત્‍મહત્‍યાના બનાવ મામલે ૨જૂઆત, વિદ્યાર્થીઓની સુરક્ષા, હોસ્‍ટેલની સેફટી અને સંભવિત બેદરકારી અંગે તટસ્‍થ તપાસની માંગ કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં માત્ર એક સપ્તાહના ટૂંકા સમયગાળામાં બે વિદ્યાર્થીઓના દુઃખદ મળત્‍યુની ઘટનાઓ સામે આવી છે. તા. ૧૯ સપ્‍ટેમ્‍બરે યુનિવર્સિટીની હોસ્‍ટેલમાં એક વિદ્યાર્થિનીના મળત્‍યુ બાદ તા. ૨૫ સપ્‍ટેમ્‍બરે હેમંત ગંધમ નામના વિદ્યાર્થીનું યુનિવર્સિટી કેમ્‍પસના છઠ્ઠા માળેથી પડી જવાથી મળત્‍યુ થયું હતું. આ સતત બનેલી ઘટનાઓને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા અને યુનિવર્સિટી કેમ્‍પસની વ્‍યવસ્‍થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા NSUI દ્વારા રાજકોટ જિલ્લા કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની નિષ્‍પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવે છે.

NSUIની મુખ્‍ય માંગ છે કે મારવાડી યુનિવર્સિટીની હોસ્‍ટેલ તથા સમગ્ર કેમ્‍પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી સેફટી ગ્રિલ, રેલિંગ, બાલ્‍કની અને ઊંચાઈવાળા વિસ્‍તારોની સુરક્ષા વ્‍યવસ્‍થા પૂરતી છે કે નહીં તેની તાત્‍કાલિક તપાસ કરવામાં આવે સાથે જ હોસ્‍ટેલ અને કેમ્‍પસમાં કાર્યરત સિકયોરિટી સિસ્‍ટમ, સીસીટીવી કેમેરા, પ્રવેશ-બહારની વ્‍યવસ્‍થા તથા સુરક્ષા કર્મચારીઓની ફરજ અને જવાબદારી અંગે પણ વહીવટી તપાસ કરવામાં આવે.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક, વહીવટી, હોસ્‍ટેલ અથવા અન્‍ય કોઈ પ્રકારનું અયોગ્‍ય દબાણ કે માનસિક પ્રેશર તો નથી ને, તે અંગે પણ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સંબંધિત સ્‍ટાફના નિવેદનો લઈ નટસ્‍થ તપાસ કરવામાં આવે તેવી NSUIની માંગ છે.

(3:04 PM IST)