તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
સહકારી મંડળીઓની સભામાં કૃષિ માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ અને ૨૫% ગોડાઉન યોજના' અંગે વિસ્તૃત માર્ગદર્શન

રાજકોટઃ જિલ્લાના વિવિધ વિસ્તારની જૂથ સેવા સહકારી મંડળીઓની વાર્ષિક સાધારણ સભા દરમિયાન રાજ્ય સરકારની કૃષિ અને સહકાર ક્ષેત્રની યોજનાઓ અંગે સભાસદોને માર્ગદર્શન આપવા વિશેષ સેમિનાર યોજાયા હતા. શ્રી ખીરસરા (રણમલજી) જૂથ સેવા સહકારી મંડળી લી., શ્રી ભંડારીયા સેવા સહકારી મંડળી લી. તથા ૩૧ ઓગસ્ટના રોજ શ્રી ખોરાણા જૂથ સેવા સહકારી મંડળી લી.ની સાધારણ સભા યોજાઈ હતી. આ બેઠકોમાં જિલ્લા રજિસ્ટ્રાર ડો. બિમલકુમાર પટેલ, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (હાઉસીંગ) યશવંત દુધાત્રા તેમજ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (ગ્રાહક) શ્રી એન.ડી. ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીશ્રીઓએ ખેડૂતો અને સહકારી સંસ્થાઓના આર્થિક ઉત્થાન માટે સહકારી પ્રવૃત્તિઓનું મહત્વ રેખાંકિત કરી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હોવાનું યાદીમાં જણાવાયું છે. સેમિનાર દરમિયાન ખેડૂતો માટે સ્વતંત્ર સંગ્રહ શક્તિ (ગોડાઉન) હોવાની જરૂરિયાત અને તેનાથી થતા ફાયદાઓ અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સેમિનારમાં જણાવવામાં આવ્યું હતું કે લણણીના સમયે બજારમાં અતિશય આવકના કારણે ભાવ નીચા રહેતા હોય છે, આવી પરિસ્થિતિમાં ખેડૂતો પાસે પોતાનું ગોડાઉન હોય તો તેઓ પાકનો સુરક્ષિત સંગ્રહ કરી શકે છે અને બજારમાં અનુકૂળ તેમજ પોષણક્ષમ ભાવ મળે ત્યારે વેચાણ કરીને બમણો નફો મેળવી શકે છે. આ ઉપરાંત, વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ કરવાથી ભેજ, જીવાત, ઉંદર અને અણધાર્યા હવામાન જેવા પરિબળોથી થતું નુકસાન અટકે છે. ખેડૂતો પોતાની ખેતપેદાશોની સાથે સાથે ખાતર અને બિયારણ જેવા કૃષિ ઇનપુટ્સનો પણ યોગ્ય સ્ટોક કરી શકે છે, જેથી યોગ્ય સમયે ખેતીની જરૂરિયાતો પૂરી કરી શકાય અને બજારના ભાવબાંધણા અને આર્થિક શોષણથી બચી શકાય.
આ પ્રસંગે ખાસ કરીને ‘૨૫% ગોડાઉન મૂડી સહાય યોજના' અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતપેદાશો તેમજ એગ્રીકલ્ચર ઈનપુટ્સનો વૈજ્ઞાનિક ઢબે સંગ્રહ થઈ શકે તે માટે ૫૦ થી ૧૦૦૦ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા સંગ્રહ શક્તિ (ગોડાઉન) નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે. પોતાની જમીન ધરાવતા ખેડૂતો, ખેડૂત સહકારી સંસ્થાઓ અને એપીએમસી આ યોજના માટે પાત્રતા ધરાવે છે. માન્ય બેંકમાંથી લોન મંજૂર કરાવીને ગોડાઉન બાંધકામ કરવા પર મૂડી ખર્ચના ૨૫% મુજબ સહાય ચૂકવવામાં આવે છે, જેમાં વ્યક્તિગત ખેડૂતો માટે મહત્તમ રૂ. ૫.૦૦ લાખ અને સહકારી સંસ્થાઓ તથા એપીએમસી માટે મહત્તમ રૂ. ૩.૫૦ લાખની સબસીડી મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. લાભાર્થીએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ બેંક વેરીફિકેશન અને દસ્તાવેજો રજૂ કરવાના રહે છે, ત્યારબાદ ડીઅમેટી પદ્ધતિથી બે હપ્તામાં સહાયની રકમ સીધી લાભાર્થીના લોન ખાતામાં જમા કરવામાં આવે છે.
જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ ગ્રામીણ માળખાકીય સવલતો વધારવા અને સભાસદોના સર્વાંગી આર્થિક વિકાસ માટે સહકારી મંડળીઓને સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આ બેઠકોમાં મંડળીઓના હોદ્દેદારો, સંચાલક મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદોએ હાજરી આપી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ઉત્સાહ દર્શાવ્યો હતો. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.
(3:10 PM IST)










