News of Monday, 11th May 2026
રંગપર સમુહ લગ્નમાં ગયેલા રાજકોટના રવિ ગોગીયા પર ત્રણ સાળાનો હુમલો
અગાઉનો ખાર રાખી તું અહિ શું કામ આવ્યો કહી ધોકાથી ફટકાર્યો

રાજકોટ તા. ૧૧: મોરબી રોડ પર જુના જકાતનાકા નજીક શીવધારા સોસાયટીમાં રહેતાં અને ફેબ્રીકેશનનું કામ કરતાં રવિભાઇ રતાભાઇ ગોગીયા (ઉ.વ.૩૦) પર તે ગઇકાલે વાંકાનેરના રંગપર ગામે આઇધામ મંદિર પાસે યોજાયેલા સમાજના સમુહ લગ્નમાં ગયો ત્યારે તેના ત્રણ સાળા કાળુ જાદવ, દિલીપ જાદવ, મયુર જાદવ સહિતે ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
રવિના કહેવા મુજબ પોતે ત્રણ ભાઇમાં વચેટ છે અને સંતાનમાં બે પુત્ર છે. તેણે વર્ષો પહેલા પોતાની જ જ્ઞાતિમાં લવમેરેજ કર્યા છે. ત્યારથી સાળાઓ સાથે મનદુઃખ ચાલે છે. ગઇકાલે પોતે સમુહ લગ્નમાં ગયો ત્યારે સાળાઓએ જુનો ખાર રાખી અહિ તું શું કામ આવ્યો કહી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
(2:36 PM IST)










