News of Friday, 17th April 2026
ચોટીલા પાસે રેન્જ આઇજીની ટીમે સવા કરોડનો દારૂ ઝડપ્યો
નિર્લીપ્ત રાયની સુચના અંતર્ગત જાનીવડલા નજીક નેશનલ હાઇવે પર કાર્યવાહીઃ ભાણવડના બૂટલેગરનો ‘માલ' હતો : ભાણવડના ચના રબારીએ મંગાવેલો દારૂ ભરેલો ટ્રક લઇ એમપી બોર્ડરથી આવી રહેલા ભાણવડના શાહિદ હીંગોરાને ઝડપી લેવાયોઃ પોલીસ ઇન્સ્પેકટર રોહન બારની રાહબરીમાં પીએસઆઇ ભાનુભાઇ સી. મિયાત્રા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૭: દારૂબંધીના કડક અમલ વચ્ચે રાજકોટ રેન્જ આઈજીની ટીમે એક મોટી સફળતા મેળવી છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે આવેલા જાનીવડલા અંડર પાસ નજીક આવેલી હોટલ પાસે વોચ રાખી રાજકોટ રેન્જ આઇજીની ટીમે ૧ કરોડ ૨૮ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે ભાણવડના શખ્સને પકડી લીધો છે. ભાણવડના બૂટલેગરે આ ટ્રકચાલકને બસ મારફત એમપી બોર્ડર ખાતે મોકલ્યો હતો. ત્યાંથી આ શખ્સ દારૂ ભરેલો ટ્રક લઇ ભાણવડ જવા રવાના થયો હતો. પરંતુ ચોટીલા પાસે તે ઝડપાઇ ગયો હતો. દારૂ મંગાવનાર ભાણવડના બૂટલેગર તેમજ મોકલનારા સહિતની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ રેન્જ આઇજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે જાનીવડલા નજીક વોચ ગોઠવી એક ટ્રકને આંતરી લીધો હતો. જેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ દરોડામાં દારૂ, ટ્રક સહિત કુલ ૧,૪૬,૫૯,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક શાહિદ જુસબભાઈ હિંગોરા (રહે. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા)ને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
પોલીસ દરોડા દરમિયાન ટ્રકની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડનો કુલ ૧૦,૭૪૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની બજાર કિંમત આશરે રૂપિયા ૧,૨૮,૮૮,૦૦૦ જેટલી થાય છે. પોલીસે આ ગુનામાં આશરે ૧૫ લાખની કિંમતનું વાહન અને ૨૦ હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧.૪૬ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલા ટ્રક ચાલક શાહિદની પ્રાથમિક પુછતાછમાં બહાર આવ્યું હતું કે તેને આ દારૂનો ટ્રક લેવા માટે ભાણવડના બૂટલેગર ચના દેવાભાઇ રબારી (રહે. રણપર ભાણવડ)એ બસ મારફત મધ્યપ્રદેશની બોર્ડર ખાતે મોકલ્યો હતો. પોતે ત્યાં પહોંચ્યો ત્યારે હરિયાણાનો શખ્સ દારૂ ભરેલો ટ્રક આપી ગયો હતો. પોતે આ ટ્રક લઇ ભાણવડ જવા રવાના થયો હતો. પકડાયેલો દારૂ ચંદીગઢની ક્વીન બોટલર્સ પ્રાઈવેટ લિમિટેડ ડિસ્ટિલરીમાં બનેલો છે, જેમાં અંકલ ટોમ પ્યોર ગ્રેન વોડકા અને ગ્રીન એપલ વોડકા જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે.
આ ગુનામાં પોલીસે અન્ય ૪ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં દારૂ મંગાવનાર ચના દેવાભાઈ રબારી (રહે. રણપર, ભાણવડ), દારૂ સપ્લાય કરનાર અજાણ્યો ટ્રક હેન્ડલર, માલ પૂરો પાડનાર અજાણ્યો સ્ટોકિસ્ટ અને ટ્રકના માલિકનો સમાવેશ થાય છે.
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સુચના અંતર્ગત પીઆઇ રોહન બારના માર્ગદર્શન હેઠળ ટીમના પીએસઆઈ ભાનુભાઇ સી. મિયાત્રા અને તેમની ટીમ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. હાઈવે પર આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે હવે આ નેટવર્કના મુળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા લોધીકાના માખાવડમાં ફાર્મ હાઉસમાંથી લાખોનો દારૂ ઝડપાતાં રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ લોધીકાના પીઆઇ સહિત છ પોલીસ કર્મચારીઓને ગઇકાલે સસ્પેન્ડ કરી દીધા હતાં. ત્યાં હવે ભાણવડ પહોંચે એ પહેલા રેન્જ આઇજીની ટીમે ચોટીલા પાસે હાઇવે પરથી સવા કરોડથી વધુનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો છે.
(10:20 AM IST)










