<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

રાજકોટ જીલ્લાના પડધરી મર્ડર કેસમાં ઘોર બેદરકારી બદલ રેન્જ IG નિર્લિપ્ત રાયની આકરી કાર્યવાહી: તત્કાલીન 2 PI, PSI અને ASI સસ્પેન્ડ

દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં સવા બે વર્ષથી ફરાર આરોપીઓને ન પકડવા બદલ પડધરીના તત્કાલીન PI એચ.એન. રાઠોડ, PI એસ.એન. પરમાર, PSI જે.જે. વાળા અને ASI ભગીરથસિંહ જાડેજા સામે પગલાં

રાજકોટ તા.૨૨ : પડધરી મર્ડર પ્રકરણમાં પોલીસની ઘોર બેદરકારી સામે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે આકરી કાર્યવાહી કરી છે. દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં સવા બે વર્ષથી ફરાર બંને આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહેલા તત્કાલીન 2 PI, PSI અને ASIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ, હત્યા કરનાર બંને આરોપીઓ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા સવા બે વર્ષથી ફરાર હતા. આટલા લાંબા સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે કોઈ નક્કર કાર્યવાહી ન થતા આ મામલે ગંભીર બેદરકારી સામે આવી હતી. રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે સમગ્ર પ્રકરણની સમીક્ષા કર્યા બાદ આ બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લીધા છે.

 

આ કેસમાં પડધરીના તત્કાલીન PI એચ.એન. રાઠોડ, PI એસ.એન. પરમાર, PSI જે.જે. વાળા અને ASI ભગીરથસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. 

 

રેન્જ આઇજી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે મહિલા અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ફરજમાં નિષ્કાળજી દાખવનાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

(4:20 PM IST)