તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
સ્નેહના અતૂટ સંબંધોને ફરી એકવાર જીવંત કરવા રણછોડનગરની દીકરીઓનું ૨૭મીએ સન્ેહમિલન
લગ્નના વર્ષો પછી સખીઓ માવતરના આંગણે મળશે, આંખોમાં હરખના આંસુ અને બાળપણની યાદો તાજી થશે

રાજકોટઃ લગ્ન કરીને સાસરે ગયેલી દીકરી માટે એનું બાળપણ, એની શેરી અને એની બાળપણાની સખીઓ હંમેશા એના હૃદયના એક ખૂણામાં જીવંત હોય છે. લગ્નના આટલા વર્ષો પછી, ઘર-ગૃહસ્થી અને જવાબદારીઓ વચ્ચે જ્યારે ફરી એકવાર પોતાના માવતરના આંગણે, પોતાની જૂની બહેનપણીઓને મળવાનો અવસર મળે ત્યારે દીકરીના હ્રદયમાં એક અનોખો રોમાંચ અને લાગણીઓનું ઘોડાપૂર ઉમટી પડે છે. બસ, આ જ સ્નેહના અતૂટ સંબંધોને ફરી એકવાર જીવંત કરવા માટે રાજકોટના આંગણે રણછોડનગર વિસ્તારની દીકરીઓ માટે એક સ્નેહમિલન કાર્યક્રમનું ૨૭ સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
આ એક એવો રૂડો અવસર છે જ્યાં વર્ષો પછી મળતી સખીઓ એકબીજાને ગળે મળીને હરખના આંસુ છલકાવશે. કોઈના ચહેરા પર બાળપણની શરારતોની યાદ આવશે, તો કોઈ પોતાના સાસરાના અનુભવો વહેંચશે. ચાલો... સહિયર - મૈયરમાં ફરી એકવાર મળીએ ના મધુર સાદ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં ૩૦૦ જેટલી બહેનોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. આયોજક બહેનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો હજુ પણ રણછોડનગર અને તેની આજુબાજુની બધી સોસાયટીની સર્વજ્ઞાતિની કોઈ બહેન (ઉપલો કાઠો) બાકી રહી ગયા હોય, તો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેઓ ટોકન લઈને રજીસ્ટ્રેશન કરાવી લેવા યાદીમાં જણાવાયું છે.
કાર્યક્રમમાં ભેગા મળીને બાળપણની મીઠી યાદો તાજી કરવામાં આવશે, જૂની ગેમ્સ રમાશે, સોશિયલ મીડિયા માટે રીલ્સ ઉતારવામાં આવશે. તેમજ રાસ-ગરબા અને ડાન્સની ધૂમ મચશે. સાથે જ આપણી સંસ્કૃતિ સમાન પરંપરાગત તાંબા-પીતળના બેડા લેવાની રમઝટ પણ જોવા મળશે. આ કાર્યક્રમમાં રણછોડનગરની મોટી ઉંમરની દીકરીઓ પણ હાજરી આપી આશીર્વાદ આપશે.
કાર્યક્રમ તા.૨૭ના રલવ બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી ‘‘અમૃત ફાર્મ'', ૫૦ ફૂટ રોડ, મામા સાહેબ વાળો રોડ, ડી માર્ટ પાસે, રાજકોટ ખાતે યોજાશે. રજીસ્ટ્રેશન ચાર્જ રૂ.૩૦૦ રાખેલ છે. જેમાં ભોજન સહિતનો ખર્ચ આવી જાય છે. આ કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટના દાતા શ્રી ધુસાભાઈ કડવાભાઈ લુણાગરીયા તેમજ શ્રી ચુનીભાઈ, શ્રી દિનેશભાઈ અને શ્રી ગીરીશભાઈ તરફથી સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ અંગે વધુ માહિતી માટે મીનાબેન પરસાણા (માવતરની અટકઃ કમાણી) મો.૯૯૦૪૯ ૨૪૨૩૪, સોનલબેન ચોવટીયા (માવતરની અટકઃ લુણાગરીયા) મો.૯૯૨૪૪ ૦૦૬૪૫, કાજલબેન વાડોદરીયા (માવતરની અટકઃ લુણાગરીયા મો.૭૦૪૮૭ ૭૦૮૩૧નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:26 PM IST)










