તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
દૂધ સાગર રોડ પર વાહન અડી જવા મામલે રાકેશ રાઠોડ પર જુબેર સહિતનો છરીથી હુમલો
વચ્ચે પડેલા મામાને પણ ઇજા પહોંચાડીઃ એ.સી. રીપેરીંગનું કામ કરતાં વૃંદાવન સોસાયટીના યુવાનની થોરાળા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧: દૂધસાગર રોડ પર આવેલા એચ.જે. સ્ટીલ કારખાના નજીક પ્રકાશમાં આવ્યો છે. જ્યાં વાહન અડાડવા બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવક અને તેના મામા પર છરી તેમજ ઢીકાપાટુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે વિધિવત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ દફતરેથી મળતી વિગતો અનુસાર મુળ ગીર સોમનાથના ઉના તાલુકાના ભડીયાદર ગામના વતની અને હાલ રાજકોટની વળંદાવન સોસાયટી પુનિતનગર પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડમાં રહેતા રાકેશ પ્રતાપભાઈ રાઠોડ (ઉ.વ. ૨૩)ની ફરિયાદ પરથી જુબેર ઉર્ફે જુગલો બસીરભાઇ સમા અને ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. ૨૬મીએ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે રાકેશ પોતાના હોન્ડા સાઈન મોટરસાયકલ પર પાછળ તેમના કૌટુંબિક મામા વલકુભા માનભા ગોહીલને બેસાડીને દૂધસાગર રોડ પર એચ.જે. સ્ટીલ નામના કારખાનામાં એસી ફિટિંગ અને રીપેરિંગ કરવા જઈ રહ્યા હતા. ત્યારે ચુનારાવાડ ચોકથી દૂધસાગર મેઈન રોડ પર કારખાનાની અંદર જવા માટે રાકેશએ મોટરસાયકલનું જમણી સાઈડનું ઈન્ડિકેટર ચાલુ કરીને વળાંક લીધો હતો. આ દરમિયાન પાછળથી બ્લુ કલરની બર્ગમેન એક્ટિવા જેવા વાહનના ચાલકે આવીને રાકેશના મોટરસાયકલના પાછળના ભાગે વાહન અડાડી દીધું હતું. આ બાબતે તેને ટોકતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડી ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન એક્ટીવા ચાલકના ત્રણ અજાણ્યા માણસો પણ ધસી આવ્યા હતાં અને રાકેશને એક શખ્સે છરીથી માથામાં ઘા મારી દીધો હતો. આ પછી છરીના હાથાથી માર મારતાં કાન ઉપર ઇજા થઇ હતી. બીજા શખસોએ ઢીકાપાટા માર્યા હતાં. રાકેશના મામા વલકુભાને પણ ઢકીાપાટુ માર્યા હતાં. તેમજ માથામાં છરી મારી દીધી હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. બનાવ સમયે હુમલાખોરોના નામ-ઠામ કે વાહન નંબરની વિગત ન હોવાથી રાકેશએ તાત્કાલિક ફરિયાદ નોંધાવી ન હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રાકેશ, વલકુભા અને તેમના મોટાભાઈ મહાવીરસિંહ ગોહીલે ઘટનાસ્થળે અને આજુબાજુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઝગડો કરનાર અને છરી મારનાર અજાણ્યો એક્ટિવા ચાલક દૂધસાગર રોડ પર જ રહેતો જુબેર ઉર્ફે જુગલો બસીરભાઈ સમા મુસ્લીમ છે. તેના આધારે હવે પોલીસને જાણ કરતાં થોરાળા પીઆઇ શક્તિસિંહ પી. સોઢાની રાહબરીમાં એએસઆઇ જી. ડી. શિયારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:15 PM IST)










