તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
રાજકોટના વોર્ડ-૫ (આઈ.એમ.એ.) શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત
શહેરી આરોગ્ય સેવાઓમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ: ભારત સરકારના ૧૨ ગુણવત્તાસભર માપદંડોમાં ૯૩.૫૨ ટકા મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો.

રાજકોટ : : ભારત સરકાર દ્વારા નિયત કરાયેલા ૧૨ ગુણવત્તાસભર સેવાના કડક માપદંડોમાં ૯૩.૫૨ ટકા ઉચ્ચ સ્કોર પ્રાપ્ત કરીને રાજકોટ શહેરના વોર્ડ-૫ (આઈ.એમ.એ.) શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે રાષ્ટ્રીય કક્ષાનું ગૌરવવંતુ NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર મેળવ્યું છે. તારીખ ૦૫-૦૯-૨૦૨૬ના રોજ જાહેર થયેલા આ સત્તાવાર પરિણામે રાજકોટની આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા અને શ્રેષ્ઠતાને રાષ્ટ્રીય ફલક પર રોશન કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નિષ્ણાત ટીમ દ્વારા ગત ૧૮ થી ૧૯ માર્ચ દરમિયાન આ કેન્દ્રની સેવાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં દર્દીકેન્દ્રીત સુવિધાઓ અને સચોટ નિદાન પદ્ધતિઓ ખરી ઉતરી હતી.
આ સિદ્ધિ પાછળ કેન્દ્ર પર ઉપલબ્ધ વ્યાપક અને આધુનિક આરોગ્ય સેવાઓનો મોટો ફાળો રહેલો છે, જ્યાં ગર્ભવતી મહિલાઓની સક્રિય દેખરેખથી લઈને બાળકોના સંપૂર્ણ વિકાસલક્ષી સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવે છે. કેન્દ્રમાં ચેપી તેમજ બિનચેપી રોગોનું સચોટ નિદાન, તાત્કાલિક ઇમરજન્સી આરોગ્ય સેવાઓ અને શાળાકીય બાળકો માટે નિયમિત હેલ્થ ચેકઅપ જેવી અતિઆવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. મેડિકલ ઓફિસર ડૉ. અંજની પેઢડીયા અને તેમની સમર્પિત ટીમની અથાક મહેનતના પરિણામે દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને પારદર્શક સારવાર મળી રહી છે, જે આ મૂલ્યાંકન દરમિયાન સ્પષ્ટપણે જોવા મળી હતી.
સરકાર દ્વારા અધિકૃત નિષ્ણાતો શ્રીયાકુબ મોહમ્મદ અને શ્રી કવિતાસિંઘની ટીમે આ કેન્દ્રની મુલાકાત લઈ સ્ટાફની કામગીરી, રેકોર્ડ કીપિંગ અને સ્વચ્છતાના ધોરણોની રૂબરૂ ચકાસણી કરી હતી. આ ન્યાયિક અને પારદર્શક મૂલ્યાંકન પ્રક્રિયામાં કેન્દ્રના તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો. દર્દીઓને સમયસર સાચી સલાહ અને દવા મળી રહે તે માટે આયોજિત પદ્ધતિઓ અને સ્ટાફની સજ્જતાએ રાષ્ટ્રીય સ્તરની પેનલને પ્રભાવિત કરી હતી, જેના પરિણામે આ કેન્દ્રને દેશભરમાં મોટો દરજ્જો પ્રાપ્ત થયો છે.
આ ભવ્ય સફળતા બાદ રાજકોટ મહાનગરપાલિકા અને આરોગ્ય તંત્ર દ્વારા ભવિષ્યમાં શહેરના અન્ય વધુ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ નેશનલ લેવલનું આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર અપાવવા માટે વિશેષ રણનીતિ સાથે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાના આ ઉચ્ચ માપદંડો સતત જળવાઈ રહે અને સામાન્ય નાગરિકોને ઘરઆંગણે જ વિશ્વકક્ષાની તબીબી સુવિધાઓ મળતી રહે તે માટે સરકાર અને સ્થાનિક આરોગ્ય તંત્રના સંયુક્ત પ્રયાસો આગામી દિવસોમાં પણ અવિરતપણે ચાલુ રહેશે.
(4:12 PM IST)










