તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
રાજકોટની ૨૦૪૭માં ૭૦ લાખની વસ્તીઃ વિકાસનો મેગા માસ્ટર પ્લાન બનશે
વિકસિત ભારતના વિઝન અંતર્ગત મનપાએ શરૂ કરી કવાયતઃ કન્સલ્ટન્ટની નિમણૂકમાટે ટેન્ડર પ્રસિદ્ધઃ ૨૯ ડિસેમ્બરે ટેન્ડરની મુદત પૂર્ણ થશેઃ ચાર મહિનામાં તૈયાર થશે ડીપીઆર : હિરાસર, પડધરી, મેટોડા અને શાપર સુધી શહેરના સીમાડા વિસ્તરવાનો અંદાજઃ પાણી, ટ્રાફિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાન્ટની જરૂરિયાતનો તૈયાર થશે વિસ્તળત અહેવાલ રાજકોટમાં દેશ-વિદેશના ઉદ્યોગકારો મૂડીરોકાણ કરવા આકર્ષાય તે માટે કેવા પ્રકારની આધુનિક સુવિધાઓ ઊભી કરવા માસ્ટર પ્લાનમાં સમાવેશ કરાશે

રાજકોટ ,તા.૨૪: આગામી બે દાયકા બાદ રાજકોટ શહેરનું સ્વરૂપ કેવું હશે? શહેરની વસ્તી કેટલી હશે? કેટલા નવા બ્રિજ, રસ્તા અને જળસ્ત્રોતોની જરૂર પડશે? આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘વિઝન-૨૦૪'' નો મેગા માસ્ટર પ્લાન તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં રાજકોટની વસ્તી ૭૦ લાખની આસપાસ પહોંચવાનો પ્રાથમિક અંદાજ છે ત્યારે ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૪૭માં ભારત દેશ આઝાદીનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘‘વિકસિત ભારત-૨૦૪૭''ના વિઝન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહાનગરપાલિકાઓને આગામી બે દાયકાના વિકાસનો માસ્ટર પ્લાન તૈયાર કરી રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની યોજના અંતર્ગત રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે શહેરના આગામી બે દાયકાના વિકાસની રૂપરેખા તૈયાર કરવા મહાપાલિકા તંત્ર મેદાને ઊતર્યું છે. કન્સલ્ટન્ટની નિમણૂક માટે પ્રસિદ્ધ કરાયેલા ટેન્ડરની મુદત તા. ૨૯ ડિસેમ્બરે પૂર્ણ થશે. વર્ક ઓર્ડર અપાયા બાદ એજન્સીએ ચાર મહિનામાં ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) રજૂ કરવાનો રહેશે.
મહાપાલિકાના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કન્સલ્ટન્ટ એજન્સીને શહેરની વર્તમાન સ્થિતિ, વસ્તી, વિસ્તાર, આવક અને વિકાસલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવશે. તેના આધારે વર્ષ ૨૦૪૭ સુધીમાં શહેરની સંભવિત વસ્તી, પાણીની જરૂરિયાત, નવા રસ્તાઓ, ફ્લાયઓવર બ્રિજ, ડ્રેનેજ નેટવર્ક, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તળત અભ્યાસ કરવામાં આવશે.
હાલની વિકાસગતિ અને વર્ષ ૨૦૪૭ના વિકાસલક્ષી લક્ષ્યાંકો વચ્ચેના તફાવતનું પણ વિશ્લેષણ કરવામાં આવશે. મહાપાલિકાની આવકના મર્યાદિત સ્રેતોને ધ્યાનમાં રાખીને આગામી ૨૦ વર્ષમાં વિકાસકાર્યો માટે કેટલા નાણાંની જરૂર પડશે અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર પાસેથી કેટલી ગ્રાન્ટ મેળવવી પડશે તેની વિસ્તળત વિગતો પણ તૈયાર કરવામાં આવશે.(૨.૨૧)
ચારેય દિશામાં વિસ્તરશે રાજકોટના સીમાડા!
હિરાસર એરપોર્ટથી પડધરી, મેટોડાથી શાપર સુધી મહાપાલિકાની હદ પહોંચવાનો પ્રાથમિક અંદાજ
રાજકોટ શહેરનો વિસ્તાર સતત વધી રહ્યો છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં શહેરની હદમાં મોટા પાયે વધારો થવાની સંભાવના છે. અમદાવાદ રોડ ઉપર હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી, જામનગર રોડ ઉપર પડધરી સુધી, કાલાવડ રોડ ઉપર મેટોડા સુધી અને ગોંડલ રોડ ઉપર શાપર-વેરાવળ સુધી રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તરી શકે તેવો પ્રાથમિક અંદાજ છે. જોકે, આ અંગે હજુ કોઈ સત્તાવાર હદવધારાનો નિર્ણય લેવાયો નથી.(૨.૨૨)
૭૦ લાખની સંભવિત વસ્તીને પાણી કયાંથી પૂરૂ પાડશો?
પાણી અને ટ્રાફિકની સમસ્યા ઉકેલવી મહાપાલિકા માટે સૌથી મોટો પડકાર
રાજકોટની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યાં છે, પરંતુ તેની સરખામણીએ જળષાોતોમાં વધારો થયો નથી. શહેરની પાણીની જરૂરિયાત સંતોષવા નર્મદાના નીર ઉપર મોટી નિર્ભરતા છે. આગામી બે દાયકામાં વસ્તી ૭૦ લાખની આસપાસ પહોંચે તો પીવાનું પાણી પૂરું પાડવું મહાપાલિકા માટે મોટો પડકાર બની રહેશે. બીજી તરફ વધતા વાહનો અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને નવા રાજમાર્ગો, ફ્લાયઓવર બ્રિજ તથા આધુનિક પરિવહન વ્યવસ્થાનું આયોજન અનિવાર્ય બનશે.(૨.૨૨)
મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે વિઝન-૨૦૪૭નું હાર્દ
વિદેશી મૂડીરોકાણથી લઈ રમતગમત સુધીની સુવિધાઓને પ્રાધાન્ય અપાશે
રાજકોટને ઔદ્યોગિક, વ્યાપારિક અને રમતગમત ક્ષેત્રે વધુ વિકસિત શહેર બનાવવા મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ઉપર વિશેષ ભાર મુકવામાં આવશે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય રમતોત્સવોના આયોજનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજકોટમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ અંગે પણ ભલામણો થઈ શકે છે. શહેરની આસપાસના વિસ્તારોને જોડતા વિશાળ રસ્તાઓ અને આધુનિક પરિવહન સુવિધાઓ પણ માસ્ટર પ્લાનનો મહત્ત્વનો ભાગ બની શકે છે.(૨.૨૨)
(4:03 PM IST)










