<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

રાજકોટના તેલ બજારમાં ફરી તેજી :સિંગતેલનો ડબ્બો રૂ.2800 પાર પહોંચ્યો :ગૃહિણીઓની ચિંતામાં વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ઊભી થયેલી સ્થિતિ તેમજ સપ્લાય ચેઇનમાં ઉભી થયેલી અડચણો અને પરિવહન ખર્ચમાં વધારો થતા ખાદ્યતેલના ભાવમાં અચાનક તેજી

દેશમાં વધતી મોંઘવારી વચ્ચે હવે સામાન્ય જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ બાદ હવે ખાદ્યતેલના બજારમાં પણ સતત તેજી જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડતી અસર હવે સીધી સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી રહી છે. રાજકોટના તેલ બજારમાં આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો નોંધાતા ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે.

 

વેપારીઓના જણાવ્યા મુજબ, સિંગતેલના એક ડબ્બામાં આજે વધુ રૂ.10નો વધારો નોંધાયો છે, જેના કારણે તેનો ભાવ હવે રૂ.2800 સુધી પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને બજારમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.

 

ફક્ત સિંગતેલ જ નહીં પરંતુ અન્ય ખાદ્યતેલોમાં પણ ભાવવધારો નોંધાઈ રહ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ.2660 સુધી પહોંચી ગયો છે, જ્યારે પામોલીન તેલના ભાવમાં પણ સતત વધારો થતાં હવે તેનો ભાવ રૂ.2415ની આસપાસ પહોંચી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊભી થયેલી સ્થિતિના કારણે ખાદ્યતેલના ભાવમાં અચાનક તેજી જોવા મળી રહી છે.

 

વેપારીઓના મતે, મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી છે. સાથે જ સપ્લાય ચેઇનમાં ઉભી થયેલી અડચણો અને પરિવહન ખર્ચમાં વધારો પણ ભાવવધારાનું મહત્વપૂર્ણ કારણ બની રહ્યા છે. ખાસ કરીને આયાત આધારિત ખાદ્યતેલોમાં આ અસર વધુ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

 

ખાદ્યતેલના વધતા ભાવની સીધી અસર હવે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરખર્ચ પર પડી રહી છે. રોજિંદા રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સિંગતેલ અને અન્ય તેલ મોંઘા થતાં લોકોનું માસિક બજેટ ખોરવાઈ રહ્યું છે. પહેલેથી જ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ, શાકભાજી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની મોંઘવારી વચ્ચે હવે ખાદ્યતેલના વધતા ભાવ લોકો માટે વધુ ચિંતાનો વિષય બન્યા છે.

 

આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક સ્તરે સ્થિતિમાં ઝડપથી સુધારો નહીં આવે તો આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં હજુ વધુ વધારો થઈ શકે છે. બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતા આવશે ત્યારે જ સ્થાનિક બજારમાં ભાવમાં રાહત જોવા મળી શકે છે.

 

હાલ સામાન્ય લોકો માટે મોંઘવારીનો ડબલ માર પડતો જોવા મળી રહ્યો છે. એક તરફ ઇંધણના વધતા ભાવ અને બીજી તરફ રસોડાના ખર્ચમાં વધારો… બંનેએ લોકોના ઘરખર્ચ પર ભારે અસર પાડી છે. હવે લોકોની નજર સરકાર અને બજારની આગામી સ્થિતિ પર ટકેલી છે કે આવનારા દિવસોમાં આ મોંઘવારીમાંથી કેટલી રાહત મળે છે.

(1:15 PM IST)