<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

મોરબીના ચોરીના ગુનામાં ફરાર રાજકોટનો રીઢો તસ્કર મનસુખ ઉર્ફે દીકુ પકડાઇ ગયો

અગાઉ ૧૨ ગુનામાં સંડોવણીઃ એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ રાણા, ભરતસિંહ અને ટીમે પકડ્યોઃ ધર્મેશભાઇ, સાગરભાઇ, કનુભાઇની બાતમી

 

રાજકોટ તા. ૨ :  શહેરના વિવિધ વિસ્તારો તેમજ અન્ય જિલ્લાઓમાં ચોરી અને ઘરફોડ ચોરીના ગુના આચરતા રીઢા તસ્કરો વિરૃધ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે મોરબીમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપતા એક રીઢા આરોપીને રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે. પકડાયેલ આરોપી અગાઉ ૧૨ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંલીક, ડીસીપી રાકેશ દેસાઈ (ઝોન-૨) અને એસીપી બી.જે. ચૌધરી (દક્ષિણ વિભાગ) દ્વારા નાસતા ફરતા આરોપીઓ અને સજા પામેલા ગુનેગારોને શોધી કાઢવા માટે કડક સૂચના આપવામાં આવી હોઇ એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે  હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ પરમાર, સાગરભાઇ માવદીયા અને કનુભાઇ બસીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો મનસુખ ઉર્ફે દિકુ હરિભાઇ પરમાર હાલ લોહાનગર રમાપીર મંદિર પાસે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને સ્થળ પરથી દબોચી લીધો હતો.

પકડાયેલ ૨૩ વર્ષીય આરોપી મનસુખ ઉર્ફે દિકુ દેવીપૂજક (રહે. લોહાનગર, રાજકોટ) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ રાજકોટના એ-ડીવીઝન, ભકિતનગર, માલવીયા નગર, ગાંધીગ્રામ, બી-ડીવીઝન તેમજ લીલીયા પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ ચોરી અને જી.પી. એકટ હેઠળ કુલ ૧૨ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હાલ આ આરોપીને વધુ તપાસ અર્થે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર જે.વી. વાઢીયા, પી.એસ.આઈ. એસ.એમ. રાણા સાથે એ.એસ.આઈ. બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા, તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ચાવડા, કલ્પેશભાઈ બોરીચા, સાગરભાઈ માવદીયા, કનુભાઇ બસીયા, કરણભાઇ વિરસોડીયા, ધર્મેશભાઇ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેર અને ગોપાલભાઇ ગમારાએ કરી છે.

(4:14 PM IST)