<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

સ્‍વચ્‍છ હવાની દિશામાં રાજકોટની મોટી છલાંગઃ દેશમાં ૭મો ક્રમ

‘સ્‍વચ્‍છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૬'માં રાજકોટનો રાષ્‍ટ્રીય સ્‍તરે ડંકોઃ ગત વર્ષે ૧૫મા ક્રમે રહેલું શહેર આ વખતે સીધું ૭મા સ્‍થાનેઃ મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ આપી માહિતી

રાજકોટ, તા.૮: સ્‍વચ્‍છ અને શુદ્ધ હવા સાથે રાજકોટને હરિયાળું અને પ્રદૂષણમુક્‍ત શહેર બનાવવાની દિશામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા સતત પ્રયાસોને રાષ્‍ટ્રીય સ્‍તરે મોટી સફળતા મળી છે. ભારત સરકારના National Clean Air Programme (NCAP) અંતર્ગત યોજાયેલા ‘સ્‍વચ્‍છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૬'માં ૧૦ લાખથી વધુ વસ્‍તી ધરાવતા દેશના ૪૮ શહેરોમાં રાજકોટે ૭મો ક્રમ મેળવ્‍યો છે. ગત વર્ષ ૨૦૨૫માં રાજકોટ ૧૫મા ક્રમે હતું. આમ, એક જ વર્ષમાં રાજકોટ આઠ ક્રમની છલાંગ લગાવી ૭મા સ્‍થાને પહોંચ્‍યું છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેન ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સેનિટેશન સમિતિ ચેરમેન કીર્તિબા રાણા એ જણાવ્‍યુ હતુ કે, ભારત સરકારના Ministry of Environment, Forest and Climate Change દ્વારા હાથ ધરાયેલા આ સર્વેક્ષણમાં રાજકોટની પ્રગતિ પાછળ વાયુ ગુણવત્તાનું મોનિટરિંગ, સ્‍વચ્‍છ પરિવહન, હાઇપરલોકલ ડેટા, શહેરી હરિયાળી, કચરાનું વૈજ્ઞાનિક વ્‍યવસ્‍થાપન અને પ્રદૂષણ નિયંત્રણ માટે હાથ ધરાયેલા વિવિધ પગલાં મહત્‍વપૂર્ણ બન્‍યા હોવાનું જણાવાયું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ વાયુ, સ્‍વસ્‍થ પર્યાવરણ અને ગુણવત્તાસભર જીવન માટે વિવિધ સ્‍તરે કરવામાં આવતી કામગીરીને રાષ્‍ટ્રીય અને રાજ્‍ય સ્‍તરે મળેલી આ માન્‍યતા સમગ્ર રાજકોટ માટે ગૌરવની બાબત બની છે.

રાજકોટ માટે વધુ એક મહત્‍વની સિદ્ધિ એ છે કે શહેરની બે પહેલને NCAP-૨૦૨૬ના રાષ્‍ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓના કમ્‍પેન્‍ડિયમમાં સ્‍થાન મળ્‍યું છે. જેમાં ૧૦૦ ટકા ક્‍લીન-ફયુઅલ મ્‍યુનિસિપલ પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ અને 'Rajkot RECON' હાઇપરલોકલ ડેશબોર્ડનો સમાવેશ થાય છે.

રાજકોટની મ્‍યુનિસિપલ બસ ફલીટ હવે સંપૂર્ણપણે ડીઝલમુક્‍ત બની છે. શહેરમાં હાલ ૧૨૫ ઇલેક્‍ટ્રિક અને ૧૦૦ CNG મળી કુલ ૨૨૫ ક્‍લીન-ફયુઅલ બસો કાર્યરત છે. કુલ બસ ફલીટમાં આશરે ૫૬ ટકા બસો ઇલેક્‍ટ્રિક છે અને આ બસો મારફત દર મહિને અંદાજે ૧૫ લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.

૧૮ વોર્ડમાં પ્રદૂષણ પર ‘RECON'ની નજર

CEEWના ટેકનિકલ સહયોગથી શરૂ કરવામાં આવેલા Rajkot RECON Survey Dashboard ૨૦૨૬'માં રાજકોટના તમામ ૧૮ વોર્ડમાં ૧૫ પ્રદૂષણ શ્રેણીઓને આવરી લેતા ૧૧,૩૫૦ હાઇપરલોકલ અવલોકનો એકત્ર કરવામાં આવ્‍યા છે.

આ ડેશબોર્ડના માધ્‍યમથી પ્રદૂષણ કયા સ્‍થળે અને કયા સ્‍થાનિક કારણોસર થઈ રહ્યું છે તેની ઓળખ કરી વોર્ડ અને પ્રદૂષણનાસ્ત્રોત પ્રમાણે કાર્યવાહી નક્કી કરવામાં મદદ મળી રહી છે.

રાજકોટની હવાની ગુણવત્તામાં થયેલા સુધારાની અસર આંકડાઓમાં પણ જોવા મળી રહી છે. ઉપલબ્‍ધ સત્તાવાર આંકડા મુજબ રાજકોટમાં સરેરાશ PM10નું સ્‍તર વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૫૦ µg/m³ હતું, જે વર્ષ ૨૦૨૫-૨૬માં ઘટીને ૯૪ µg/m³ થયું છે. આમ, ભ્‍પ્‍૧૦ના સ્‍તરમાં આશરે ૩૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.

મનપા તંત્રએ આ સિદ્ધિને અંતિમ મુકામ નહીં પરંતુ આગળ વધવાની પ્રેરણા ગણાવી છે. ‘૭મો ક્રમ મુકામ નથી; તે સતત અને વોર્ડ સુધી પહોંચતી કાર્યવાહીની દિશા સાચી હોવાનો સંકેત છે.'

ગુજરાતમાં રાજકોટના બે વોર્ડે પણ બાજી મારી

વોર્ડ નં.૨ દ્વિતીય અને વોર્ડ નં.૫ તળતીય : બંને વોર્ડને મળશે કુલ રૂ.૨૫ લાખ

રાજકોટઃ રાષ્‍ટ્રીય સ્‍તરની સિદ્ધિની સાથે વોર્ડ કક્ષાએ પણ રાજકોટને મહત્‍વની સફળતા મળી છે. ‘સ્‍વચ્‍છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૬' અંતર્ગત ગુજરાતમાં યોજાયેલા વોર્ડ કક્ષાના સર્વેક્ષણમાં રાજકોટના વોર્ડ નં. ૨એ દ્વિતીય અને વોર્ડ નં. ૫એ તળતીય ક્રમ મેળવ્‍યો છે. આ સિદ્ધિ બદલ દ્વિતીય ક્રમે આવેલા વોર્ડ નં. ૨ને રૂ. ૧૫ લાખ તથા તળતીય ક્રમે આવેલા વોર્ડ નં. ૫ને રૂ. ૧૦ લાખ મળી કુલ રૂ. ૨૫ લાખની રકમ આપવામાં આવશે. ૧૮ વોર્ડમાં ૨૮૧ સક્રિય C&D સાઇટનું સર્વેક્ષણ કરીને વેસ્‍ટના હેન્‍ડાલિંગ, પરિવહન સહિત વગેરે મુદાનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યુ છે.

(3:11 PM IST)