News of Tuesday, 8th September 2026
રાજકોટને લાયન સફારી પાર્ક રૂા.૨૪.૬૧ કરોડમાં પડશે!!
કામ પૂર્ણ થવાના આરે પહોંચતા એજન્સીએ ‘રોન' કાઢીઃ કોર્પોરેશન પાસે વધુ ૮ કરોડ માંગ્યા : દિવાળી સુધીમાં લાયન પાર્ક ધમધમે તેવી શકયતાઃ કાલે સ્ટે. કમિટીમાં ખર્ચ અંગે નિર્ણય લેવાશે : પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે લાયન સફારી પાર્કમાં એન્ટ્રન્સ પ્લાઝા અને વિઝિટર એમેનિટીઝના રૂ. ૧૬.૬૬ કરોડના કામમાં રૂ. ૭.૯૪ કરોડનો વધારો : કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૨૫ દરખાસ્તો પર નિર્ણય : બગીચાની જાળવણી, પે એન્ડ યુઝ ટોયલેટ, ‘હર ઘર તિરંગા'ના ખર્ચ સહિતના કામો એજન્ડામા

રાજકોટ, તા. ૮: મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે આકાર લઈ રહેલો લાયન સફારી પાર્ક હવે અંદાજે રૂ. ૮ કરોડ વધુ મોંઘો થવા જઈ રહ્યો છે. લાયન સફારી પાર્ક ખાતે એન્ટ્રન્સ પ્લાઝા તેમજ જુદી જુદી વિઝિટર એમેનિટીઝ બનાવવાના મૂળ રૂ. ૧૬.૬૬ કરોડના કામમાં વધુ રૂ. ૭.૯૪ કરોડનો ખર્ચ થવાની દરખાસ્ત આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. વધારાનો ખર્ચ મંજૂર થાય તો આ કામનો કુલ અંદાજિત ખર્ચ રૂ. ૨૪.૬૧ કરોડ સુધી પહોંચી જશે.
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કાલે ચેરમેન પરેશ પીપળિયાના અધ્યક્ષસ્થાને મળશે. બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો અને વહીવટી બાબતોને લગતી કુલ ૨૪ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. તેમાં સૌથી વધુ ધ્યાન લાયન સફારી પાર્કના વધેલા ખર્ચની દરખાસ્ત પર રહે તેવી શકયતા છે.
પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે નિર્માણાધીન લાયન સફારી પાર્કમાં ઈન્ટ્રન્સ પ્લાઝા ઉપરાંત મુલાકાતીઓ માટે જુદી જુદી સુવિધાઓ ઊભી કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે અગાઉ રૂ. ૧૬.૬૬ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા અને તેનો કોન્ટ્રાક્ટ શ્રીજી કળપા પ્રોજેક્ટ લિમિટેડને આપવામાં આવ્યો હતો. દરમિયાન મૂળ કામમાં કેટલીક વધારાની કામગીરીનો સમાવેશ થતાં ખર્ચમાં રૂ. ૭.૯૪ કરોડનો વધારો થયો છે. હવે કુલ અંદાજિત ખર્ચ રૂ. ૨૪.૬૧ કરોડ થવા પામ્યો છે.
લાયન સફારી પાર્કનું લોકાર્પણ અગાઉથી જ સતત પાછળ ઠેલાતું રહ્યું છે ત્યારે હવે પ્રોજેક્ટના ખર્ચમાં થયેલો મોટો વધારો પણ ચર્ચાનો વિષય બન્યો છે. વધારાના ખર્ચને સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપે છે કે કેમ તેના પર નજર રહેશે.
લાયન સફારી પાર્કની કામગીરી હાલ આગળ વધી રહી છે ત્યારે મૂળ ખર્ચની સરખામણીએ લગભગ રૂ. ૮ કરોડનો વધારો સામે આવતાં સ્ટેન્ડિંગ કમિટી આ વધારાના ખર્ચને મંજૂરી આપે છે કે કેમ તેના પર નજર રહેશે.
સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં શહેરના જુદા જુદા બગીચાઓ, સિનિયર સિટિઝન પાર્ક અને બાળ ક્રીડાંગણોની એક વર્ષ માટે જાળવણી-નિભાવના કોન્ટ્રાક્ટ અંગે પણ નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં બિલ્ડિંગ, પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક અને આંગણવાડી બનાવવાના કામો પણ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યા છે.
શહેરના પૂર્વ ઝોનના વિવિધ વોર્ડમાં પાર્ટટાઇમ સફાઈ કામદારો મારફતે સફાઈ તથા કચરો ઉપાડવાની કામગીરીના કોન્ટ્રાક્ટની મુદત વધારવા, લાઇબ્રેરીઓ અને વિદ્યાર્થી વાંચનાલયોમાં હાઉસકીપિંગ કામગીરી તેમજ મનપાની વિવિધ બિલ્ડિંગોમાં એરકન્ડિશનર, વોટર કુલર વગેરેની સર્વિસ-રિપેરિંગની કામગીરી સહિતની દરખાસ્તો પણ એજન્ડામાં સામેલ છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ઉપરાંત શહેરમાં સ્ટ્રીટલાઈટની સુવિધા આપવા માટેની હયાત નીતિમાં મહત્વપૂર્ણ સુધારો કરવાની દરખાસ્ત પણ વિચારણા હેઠળ આવશે. ઈસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નં. ૧૮(અ)ના વિસ્તારોમાં પાર્ટટાઈમ સફાઈ કામદારો મારફત સફાઈ કામગીરી તથા કચરો ઉપાડવાના કામની મુદત વધારવા અંગે પણ નિર્ણય લેવાશે.
‘હર ઘર તિરંગા'નો ૯ લાખના ખર્ચ
‘હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત તિરંગા ખરીદવા માટે કરવામાં આવેલા અંદાજે રૂ. ૯ લાખના ખર્ચને બહાલી આપવાની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે.
આ ઉપરાંત શહેરમાં જુદી જુદી વિકાસ કામગીરી, વોટર મેનેજમેન્ટ, લાઇટિંગ, ગાર્ડન, ડ્રેનેજ-પમ્પિંગ સ્ટેશન સહિતની કામગીરી સંબંધિત દરખાસ્તો અંગે પણ આવતીકાલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
આમ, આવતીકાલની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૨૫ જેટલી દરખાસ્તો પૈકી ખાસ કરીને લાયન સફારી પાર્કના ખર્ચમાં લગભગ રૂ. ૮ કરોડના વધારાની દરખાસ્ત સૌથી વધુ ચર્ચાસ્પદ બની રહે તેવી શકયતા છે.
(4:04 PM IST)










