તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
રાજકોટના વોર્ડ નં. ૪-૧૩-૧પ માં બુથોમાં બે-બે EVM રાખવા પડે તેવો ઘાટ સજાર્યોઃ ફાઇનલ સ્થિતિ બપોરે ૩ પછી જાહેર થશે
ત્રણેય વોર્ડના અધીકારીઓ ધંધે લાગી ગયાઃ ફુલ ૧૦૧૪ મતદાન મથકઃ મતદાનમથક દીઠ-૧ર૦૦ મતદારોનો ક્રાઇટ એરીયા : એક મતદાર ૪ મતો આપી શકશેઃ દરેક મત વખતે ‘લાલ' બટન અને છેલ્લે ‘પીળુ' બટન દાબવુ ફરજીયાતઃ નહી તો મતો નહિ ગણાય : મતદાર કોઇપણ પક્ષની આખી પેનલ અથવા તો કોઇપણ પક્ષના ઉમેદવારોને અને કોઇને નો આપવો હોય તો ‘મત' નોટાને આપી શકશે

રાજકોટ, તા. ૧પઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ વખતે મતદાનની તૈયારીઓ ખાસ પ્રકારની કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યા મુજબ રાજકોટનાં ત્ર વોર્ડમાં બે ઈવીએમ મશીનો રાખવા પડે તેવી સ્થતિ છે. આજે ઉમેદવારી પત્ર ખેંચવાના છેલ્લા દિવસે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪, ૧૩ અને ૧૫ માં જો કોઈ ઉમેદવાર ફોર્મ પરત નહિ ખેંચે તો બે ઈવીએમ મશીનો રાખવા પડશે તેવી સ્થતિ સર્જાશે.
ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે આ વખતે મતદાન કરવાની રીત બદલાઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી પંચની સૂચના મુજબ, મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં સામાન્ય રીતે ચાર ઉમેદવારોની પેનલ હોય છે. મતદાર પોતાની પસંદગી મુજબ મહત્તમ ચાર ઉમેદવારને મત આપી શકશે. મતદાર ઈચ્છે તો આખી પેનલને અથવા અલગ-અલગ પક્ષના ઉમેદવારોને પણ મત આપી શકે છે. જો કોઈ મતદાર ચારથી ઓછા ઉમેદવારને મત આપવા માંગતા હોય તો તેમ પણ કરી શકશે.
જો તમે મતદાન બૂથમાં વોટ આપવા જાવ છો અને મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આ સ્ટેપ સૌથી મહત્વનું છે. તમે તમારી પસંદગીના ઉમેદવારોના નામ સામેના ‘લાલ' બટન દબાવ્યા બાદ, જ્યાં સુધી ઈવીએમમાં નીચે આવેલું પીળા રંગનું ‘રજિસ્ટર' બટન નહીં દબાવો ત્યાં સુધી તમારો મત માન્ય ગણાશે નહીં. ચાર મત આપ્યા પછી અથવા ચારથી ઓછા મત આપીને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આ બટન દબાવવું ફરજિયાત છે.
મતદાન મથકો પર ભીડ ન થાય અને પ્રક્રિયા ઝડપી બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દરેક મતદારને વોટિંગ કરવા માટે આશરે ૫૦ થી ૬૦ સેકન્ડનો સમય મળશે. ત્રણ વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી એક બૂથ પર ૨ થી ૩ ઈવીએમ મુકાશે. દરેક ઈવીએમમાં ઉમેદવારોના નામ અને નોટા સહિત કુલ ૧૫ બટન હશે. નોંધનીય છે કે આ વખતે મતદાન પ્રક્રિયામાં વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ લાવવું હિતાવહ છે. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ ન હોય, તો સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલા ૧૨ પુરાવાઓમાંથી ઓળખપત્ર, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાયસન્સ, ફોટોવાળું પાનકાર્ડ સહિત કોઈપણ એક બતાવીને તમે મતાધિકારનો ઉપયોગ કરી શકશો. મતદાન બૂથમાં વ્યવસ્થા જાળવવા માટે રાજકોટના તમામ ૧૦૧૪ મતદાન મથક પર અંદાજે ૧૨૦૦ મતદારોનો ક્રાઈટ એરિયા નક્કી કરવામાં આવ્યો છે.(૬.૧ર)
(2:44 PM IST)










