News of Monday, 20th April 2026
રાજકોટ વોર્ડ-૧૨: સ્થાનિકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને
આરતીબેન પાંભર, દક્ષાબેન ગોજારિયા, મહેશભાઈ રાઠોડ અને મિલન સોજીત્રાએ ‘કામ કરો, તો જ મત માંગો'ના નારા સાથે રણશિગુ ફૂંક્યું

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ-૧૨ માં સ્થાનિકોની પ્રાથમિક સમસ્યાઓ વિકટ બની છે. વર્ષોથી પાણી, સ્વચ્છતા અને જનપ્રતિનિધિઓના અભાવથી પરેશાન સ્થાનિક રહીશો હવે પરિવર્તનના મૂડમાં છે. આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી આપના વોર્ડ-૧૨ ના ઉમેદવારોએ જનતા વચ્ચે જઈને વિકાસના અને સમસ્યા નિવારણના વાયદાઓ સાથે ચૂંટણી પ્રચાર તેજ કર્યો હોવાનું જણાવાયું છે. આપના ચારેય ઉમેદવારો જણાવેલ કે વોર્ડ-૧૨ ના ચૂંટાયેલા કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદ ચૂંટણીના દિવસો સિવાય ક્યારેય લોકોની વહારે આવતા નથી. લોકો જ્યારે પોતાની સમસ્યાઓ લઈને ફોન કરે છે, ત્યારે તેઓ ફોન પણ ઉપાડતા નથી. રહીશોની સામાન્ય રજૂઆતો સામે પણ સત્તાધીશો ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાની સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
વોર્ડ-૧૨ ના રહેવાસીઓ દૂષિત અને અનિયમિત પાણીના પુરવઠાથી ત્રસ્ત છે. આ ઉપરાંત, ગંદકીના નિકાલ અંગે પણ મોટો ભેદભાવ હોવાની ફરિયાદ ઉઠી છે. પોશ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરાના નિકાલની સુવિધા છે, જ્યારે અહીંની મહિલાઓને કચરો લઈને ટીપર વાન પાછળ દોડવું પડે છે. ટીપર વાન પણ માત્ર થોડી સેકન્ડ માટે ઉભી રહેતી હોવાથી સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વોર્ડ-૧૨ના ‘‘આપ''ના ઉમેદવારો આરતીબેન પાંભર, દક્ષાબેન ગોજારિયા, મહેશભાઈ રાઠોડ,મિલન સોજીત્રા તેમજ શહેર મહામંત્રી રમેશભાઇ ગોજારીયા અને વોર્ડ પ્રમુખ પિયુષભાઇ પાંભર નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:25 PM IST)










