તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
રાજકોટ તાલુકા પોલીસની તેરા તુજકો અર્પણ ઝુંબેશમાં નોંધનીય કામગીરી
કાર્યક્રમ હેઠળ રૂ. ૧૯.૯૬ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો: ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચૌધરીના માર્ગદર્શનમાં પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ એમ.એચ. મહારાજ, પીએસઆઇ એસ. પી. ચૌહાણ અને ટીમની કાર્યવાહી

રાજકોટ: ગુજરાત સરકારના કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ રાકેશ દેસાઈ તથા મદદનીપોલીસ કમિશનર દક્ષિણ વિભાગ બી.જે. ચૌધરીના નેતૃત્વમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર કમિશનરેટ વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા સાયબર ક્રાઈમ પોર્ટલ ૧૯૩૦ પર કરવામાં આવેલ ફરિયાદો અને CEIR પોર્ટલના ઉપયોગથી શોધી કઢાયેલા મોબાઈલ ફોન તેમજ ગુનાના કામે રિકવર કરાયેલ મુદ્દામાલ, રોકડ રકમ અને સોનાના દાગીના મૂળ માલિકોને પરત સોંપવા માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. મેધાણીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન કુલ ૪૦ લાભાર્થીઓને રૂપિયા ૧૯,૯૬,૯૭૨ની કિંમતનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. જેમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા ૧૨ અરજદારોને કોર્ટ મારફતે રીફંડ પ્રોસેસ કરાવીને ફ્રીઝ થયેલી કુલ રૂપિયા ૫,૯૫,૧૭૫ની રકમ પરત અપાવવામાં આવી છે. આ ઉપરાંત, CEIR પોર્ટલની મદદથી ટ્રેસ કરાયેલા કુલ ૨૬ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫,૦૧,૭૯૭ તેના મૂળ માલિકોને સોંપાયા હતા. તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ગુનાઓ અંતર્ગત રિકવર કરાયેલ રોકડ, દાગીના અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂપિયા ૯,૦૦,૦૦૦નો મુદ્દામાલ ૨ મૂળ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો હતો.
આ સફળ કામગીરી બદલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. મેધાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. મહારાજ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.પી. ચૌહાણ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભીખુભાઈ મૈયડ, મોનિકાબેન ભુવા અને યુવરાજસિંહ મોરી સહિતના સ્ટાફની કામગીરીને બિરદાવવામાં આવી છે.
(4:50 PM IST)










