News of Sunday, 4th October 2026
રાજકોટ એસઓજી એન્ટી નારકોટિક વિંગે જામનગર રોડ નવી કોર્ટ સામેથી અર્જુન ઉર્ફે અનમોલને ૨.૩૧ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડયો : જુઓ વિડિયો
પીઆઇ બી.બી. જાડેજા, પીએસઆઈ વી.વી. ધ્રાંગુ અને ટીમના એએસઆઈ ઈન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, હેડકોન્સ. મૌલિકભાઈ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, પો.કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલાની કામગીરી

રાજકોટ: શહેરમાં આઠ લાખ રૂપિયાના ગાંજાનો જથ્થો ઝડપાયાના ગણતરીના કલાકોમાં જ એન્ટી નાર્કોટીક્સ વિંગ દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે બીજો મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને મેફેડ્રોન લ ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમને સંયુક્ત રીતે સચોટ બાતમી મળી હતી કે, રાજકોટના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગની સામે આવેલા કાચા રસ્તા ઉપર, મેલડી માંના મંદિરની સામે જાહેર જગ્યા પર એક શખ્સ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પસાર થવાનો છે. આ માહિતીના આધારે પોલીસ કાફલાએ તુરંત જ સ્થળ પર પહોંચીને ગુપ્ત વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો શંકાસ્પદ ઈસમ ત્યાંથી નીકળતાં જ પોલીસે તેને ચારેય તરફથી ઘેરીને કોર્ડન કરી પકડી પાડ્યો હતો અને તેની તલાશી લેતાં તેની પાસેથી ભારે માત્રામાં મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસની ઝપટે ચડેલા આરોપીની પૂછપરછમાં તેનું નામ અર્જુન ઉર્ફે અનમોલ મેરામભાઈ કોઠીવાર (ઉં.વ.૨૮ ) હોવાનું ખુલ્યું છે. તે રાજકોટના મનહરપુર ઢાળ પાસે, યોગરાજ નગર સામે આવેલા માનસ એન્ક્લેવના ત્રીજા માળે, બ્લોક નંબર ૩૦૧ માં રહે છે. આરોપી અર્જુન અગાઉ પણ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ ૮ (સી) અને ૨૯ (બી) મુજબના ગુનામાં સંડોવાયેલો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
પોલીસે આરોપી પાસેથી રૂ. ૧,૪૦,૫૫૦ ની કિંમતનો ૪૬.૮૫ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત તેની પાસેથી રૂ. ૪૦,૦૦૦ની કિંમતનો વીવો કંપનીનો એક મોબાઈલ ફોન, રૂ. ૫૦,૦૦૦ ની કિંમતનું એક્ટિવા મોટરસાઇકલ નંબર GJ-03-PB-4090, રૂ. ૭૦૦ની રોકડ રકમ અને આધાર કાર્ડ મળીને કુલ રૂ. ૨,૩૧,૨૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
કાયદેસરની કાર્યવાહી અને ટીમ
આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલ ડ્રગ્સ અંગે એફ.એસ.એલ. અધિકારી એસ.જે. જોષી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરી અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
આ કામગીરી શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકની સૂચના અનુસાર કરવામાં આવી હતી. જેમાં પોલીસ ઇન્સપેક્ટર બી.બી. જાડેજા, પો.સબ.ઇન્સ. વી.વી. ધ્રાંગુ, એ.એસ.આઈ. ઈન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, પો.હેડ.કોન્સ. મૌલિકભાઈ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, પો.કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા અને ડ્રાઈવર લોકરક્ષક નરેશભાઈ બારૈયા જોડાયા હતા.
(10:12 AM IST)










