<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

રાજકોટ ગ્રામ્‍ય સાયબર ક્રાઇમની ટીમે ઓનલાઇન છેતરપીંડી કરનાર બે રાજસ્‍થાનીને ઝડપી લીધા

ડેટીંગ એપની એજન્‍સી આપવાના બહાને ૧૭ લાખ અને સીઆરપીએફ કમાન્‍ડન્‍ટની ઓળખ આપી ઓનલાઇન સસ્‍તામાં ફર્નીચરની જાહેરાત આપી છેતરપીંડી કરનાર પકડાયા


 

રાજકોટ તા.રઃ રાજકોટ ગ્રામ્‍ય સાયબર ક્રાઇમની ટીમે ડેટીંગ એજન્‍સી આપવાના બહાને ૧૭ લાખ તથા સસ્‍તામાં ફર્નીચર આપવાની જાહેરાત કરી છેતરપીંડી કરતા બે રાજસ્‍થાની શખ્‍સોને ઝડપી લીધા છે.

રાજકોટ ગ્રામ્‍ય સાયબર ક્રાઇમની ટીમે ટોકી નામની ડેટિંગ એપની ‘એજન્‍સી' અપાવી દેવાના નામે રૂા. ૧૭ લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર રાજસ્‍થાનના ચુરુ જિલ્લાના મોલીસર બાડા ગામના સુરેન્‍દ્ર હિરાલાલ સિહાગને રાજસ્‍થાનથી ઝડપી લઈ ત્રણ દિવસના રિમાન્‍ડ પર મેળવ્‍યો છે.

ટોકી એપમાં ચેટ કરવા માટે કોઈન મેળવવા પડે છે, ત્‍યાર બાદ જ  ચેટ થઈ શકે છે. ભોગ બનનાર યુવાન ખૂબ જ કોઈનની ખરીદી કરતો હોવાથી આરોપીએ તેનો સંપર્ક કરી એજન્‍સી અપાવી દેવાની લાલચ આપી કહ્યું કે, તેમ કરવાથી કોઈનની ખરીદી ઉપર ૨૫ ટકા કમિશન અને અન્‍ય લાભો મળશે. ભોગ બનનાર યુવાન આરોપીની વાતમાં આવી ગયો હતો અને તેણે આપેલા બેંક એકાઉન્‍ટમાં રૂા. ૧૭.૮૧ લાખ મોકલી આપ્‍યા હતા. ત્‍યારબાદ તેની પાસેથી વધુ રકમની માગણી કરાઈ હતી. એજન્‍સી પણ નહીં મળતા છેતરાઈ ગયાનો અહેસાસ થતા સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ ગ્રામ્‍ય સાયબર ક્રાઇમની ટીમે રાજસ્‍થાનથી આરોપી સુરેન્‍દ્રને ઝડપી લઇ ૯૦ હજારના ત્રણ મોબાઇલ કબ્‍જે કરી તપાસ હાથધરી છે.

તેમજ OLX પર સસ્‍તામાં ફર્નિચરની જાહેરાતો આપી ૧૨ હજાર ગુમાવ્‍યા અંગે ફરિયાદ નોંધાતા સાઈબર ક્રાઈમ પોલીસે રાજસ્‍થાનના ડીગ જિલ્લાના વતની નુરદીન અસલૂપ મેવને ઝડપી લીધો હતો.

પકડાયેલ આરોપીએ ફરિયાદીને CRPF ના નિવળત કમાન્‍ડન્‍ટ તરીકેની ઓળખ આપી, સસ્‍તામાં કંપનીમાંથી હોલસેલ ભાવે ફર્નિચર અપાવી દેવાની લાલચ આપી એડવાન્‍સ પેટે રૂા. ૧૨ હજાર મેળવી લીધા બાદ ફરિયાદી સાથેનો સંપર્ક કાપી નાંખ્‍યો હતો. જેને કારણે ફરિયાદીએ સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. તેની પાસેથી મોબાઈલ ફોન, રૂા. ૫ હજાર રોકડા કબ્‍જે કર્યા છે. આ રીતે બીજા કેટલા જણાને શિકાર બનાવ્‍યા છે તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ કામગીરી વિજયસિંહ ગુર્જર, પો.અધિક્ષક રાજકોટ ગ્રામ્‍યના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના પો.ઇન્‍સ. આર.જે. ગોધમ, પો.સબ.ઇન્‍સ. આર.ડી. સોલંકી, પો.સબ.ઇન્‍સ. (વાયરલેસ), સી.બી. વાંક પો.સબ.ઇન્‍સ.(વાયરલેસ) એમ.એન.રાઠોડ, પો.સબ.ઇન્‍સ.(વાયરલેસ) એસ.કે.સોલંકી તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઇ. હિતેષભાઇ ગામી, પો.હેડકોન્‍સ. પ્રકાશભાઇ ડાંગર, વૈભવભાઇ ગોહેલ, તથા, પો.કોન્‍સ. મેહુલભાઇ  સોનરાજ,, નયદિપભાઇ વાણીયા, પુજાબેન હેરભા, તથા પો.હેડકવાટર રાજકોટ ગ્રામ્‍ય,ના પો.હેઙ કોન્‍સ. અજીતભાઇ ગંભીર, તથા પો.કોન્‍સ. મહીપાલસિંહ ચુડાસમા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન, રાજકોટ ગ્રામ્‍યની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

(2:13 PM IST)