News of Wednesday, 4th November 2026
રાજકોટ રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન
રાજકોટ-ઓખા રેલખંડના ૩૦ સ્ટેશનોમાં નવી સંચાર પ્રણાલી સ્થાપિતઃ સિગ્નલ અને દૂરસંચાર વિભાગની મહત્વપૂર્ણ સિદ્ધિ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૪: પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝને સંચાર વ્યવસ્થાના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તારીખ ૩ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ રાજકોટ-ઓખા રેલખંડમાં અગાઉ કાર્યરત સીસીઈઓ આધારિત ટ્રેન કંટ્રોલ કોમ્યુનિકેશન સિસ્ટમ (Train Control Communication System - TCCS) ને સફળતાપૂર્વક આધુનિક મલ્ટિપ્રોટોકોલ લેબલ સ્વિચિંગ (Multi-Protocol Label Switching - MPLS) આધારિત વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ (Voice over Internet Protocol - VoIP) સિસ્ટમ પર સ્થળાંતરિત કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કાર્ય રાજકોટ ડિવિઝનના સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ સાથે રાજકોટ-ઓખા રેલખંડમાં આધુનિક આઈપી આધારિત સંચાર નેટવર્ક સ્થાપિત થઈ ગયું છે. આ નેટવર્કના માધ્યમથી ટ્રેન નિયંત્રણ સંચાર વ્યવસ્થાને વધુ અસરકારક, વિશ્વસનીય અને વધુ સારી રીતે નિરીક્ષણ યોગ્ય બનાવવામાં મદદ મળશે.
રાજકોટ-ઓખા મુખ્ય રેલખંડની લંબાઈ ૨૫૨ કિલોમીટર છે. આ ઉપરાંત કનાલુસ-સિક્કા શાખા રેલખંડ ૧૪.૫ કિલોમીટર, જામનગર-વાંસજાળિયા ૨ કિલોમીટર તથા માધાપર-મેસર્સ નાયરા એનર્જી લિમિટેડ, મોડપર ૧૨ કિલોમીટર લાંબો છે. આ રીતે મુખ્ય અને શાખા રેલખંડોમાં કુલ ૩૦ સ્ટેશનોને આધુનિક સંચાર નેટવર્ક સાથે જોડવામાં આવ્યા છે.
૧) બહેતર સંચાર વ્યવસ્થાઃ ટ્રેન કંટ્રોલર્સ અને સ્ટેશન કર્મચારીઓ વચ્ચેના સંચારને વધુ અસરકારક અને વિશ્વસનીય બનાવવામાં મદદ મળશે.
૨) બહેતર નિરીક્ષણઃ આધુનિક આઈપી આધારિત નેટવર્ક દ્વારા સંચાર સેવાઓનું નિરીક્ષણ વધુ અસરકારક રીતે કરી શકાશે.
૩) સુવ્યવસ્થિત નેટવર્ક સંચાલનઃ નેટવર્કના સંચાલન અને જાળવણીને વધુ વ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે.
૪) ભવિષ્યમાં વિસ્તરણઃ અન્ય દૂરસંચાર સેવાઓને તબક્કાવાર રીતે આ જ નેટવર્ક પર સ્થળાંતરિત કરવા માટે આધુનિક પાયો ઉપલબ્ધ થશે.
નવા સ્થાપિત નેટવર્કને સ્થિર કરી લેવામાં આવ્યું છે અને હાલમાં તેને એક મહિનાના મોનિટરિંગ સમયગાળા માટે કાર્યરત રાખવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન નેટવર્કની સ્થિરતા અને કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવશે. ત્યારબાદ અન્ય દૂરસંચાર સેવાઓને પણ તબક્કાવાર આ નેટવર્ક પર સ્થળાંતરિત કરવામાં આવશે.
આ સફળ માઈગ્રેશન સાથે રાજકોટ ડિવિઝનની સમગ્ર ટ્રેન નિયંત્રણ સંચાર વ્યવસ્થા હવે આધુનિક એમપીએલએસ-વીઓઆઈપી આધારિત નેટવર્ક પર સ્થાપિત થઈ ગઈ છે. આ સિદ્ધિ ડિવિઝનની સંચાર વ્યવસ્થાને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ ઉપલબ્ધિ પર રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, રાજકોટ ડિવિઝનમાં આધુનિક સંચાર તકનીકનું સફળ અમલીકરણ એ આપણા અધિકારીઓ અને કર્મચારીઓની ટેકનિકલ કુશળતા અને ટીમવર્કનું ઉત્કળષ્ટ ઉદાહરણ છે. આ સિદ્ધિ રેલ સંચાલનની સંચાર વ્યવસ્થાને વધુ આધુનિક, વિશ્વસનીય અને સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે.
(12:41 PM IST)










