તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
રાજકોટમાં દિવાળીની રાત્રે ગોકુલનગર ખોડીયાર ચોકમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી બાદ હુમલોઃ ત્રણને ઇજા
શકીલખાન, અહેમદરઝા, વકીલખાને ઇજાઃ અશોક, મુન્નો, બે અજાણ્યા શખ્સો ધોકા-પાઇપથી તૂટી પડયાઃ ભક્તિનગર પોલીસે મુસ્તાકભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો

રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ ગોકુલનગર મેઈન રોડ પર આવેલ ખોડીયાર ચોકમાં દિવાળીના પાવન પર્વની રાત્રે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બબલ થતા મામલો ઉગ્ર બન્યો હતો અને સામસામે મારામારીની ઘટના સામે આવી હતીે. જેમાં ત્રણને ઇજા થઇ હતી. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ ગોકુલનગર મેઇન રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં મુસ્તાકભાઈ સમીરભાઈ ખાન (ઉ.વ. ૩૬) રાતે દસ વાગ્યાની આસપાસ વિનોદનગરમાં હતા ત્યારે તેમના પુત્ર ૧૩ વર્ષના અહમદરજાનો ફોન આવ્યો હતો કે ચોકમાં ઝઘડો થયો છે અને મને તેમજ વકીલભાઈને માર માર્યો છે. જેથી મુસ્તાકભાઈ તુરંત પોતાના ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ખોડીયિાર ચોકમાં અહમદદરજા અને પિતરાઈ ભાઈ વકીલ ફટાકડા ફોડી રહ્યા હતા, તે દરમિયાન ચોકમાં રહેતા અશોકભાઈને ન ગમતાં અશોકભાઇ અને તેમનો ભાઈ મુનાભાઈ તથા અન્ય શખ્સો ત્યાં આવ્યા હતા. ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થતાં અશોકભાઈ અને મુનાભાઈએ ઉશ્કેરાઈને ગાળો આપી હતી.
ઝઘડો વધી જતાં મુનાભાઈએ ભત્રીજા વકીલને જમણા ખભા અને ડોક વચ્ચે લાકડાના ધોકાનો ઘા માર્યો હતો, જ્યારે અશોકભાઈએ જમણા પગે સાથળના ભાગે પાટુ અને ધોકો મારતા વકીલ રેકડી તથા દીવાલ સાથે અથડાઈને વાંસામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત, અન્ય બે અજાણ્યા શખ્સોએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. અહમદરજાને પણ અશોકભાઈએ માથામાં ડાબા કાનથી ઉપરના ભાગે તથા જમણા હાથના કાંડા પાસે પ્લાસ્ટિકની પાઇપથી માર મારી ઈજા પહોંચાડી હતી.
હુમલાખોરોએ ફરિયાદીના ભાઈ શકીલને પણ પ્લાસ્ટિકની પાઇપનો ઘા મારી મોંઢાના ભાગે ઈજા કરી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓ ફરિયાદીના ઘર સુધી પાછળ આવીને પરિવારના સભ્યોને ગાળો આપી ઝપાઝપી કરી હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા પુત્ર અહમદદરજા અને ભત્રીજા વકીલને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ વી. એલ. રાઠોડે ગુનો નોંધતા આગળની તપાસ એએઅસાઇ કલ્પેશસિંહ નારૂભાએ હાથ ધરી છે.
(3:02 PM IST)










