News of Sunday, 16th August 2026
સાયલા નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ
રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ઘૂસણખોરો સામે કાર્યવાહી : ભારતીય હોવાના આધાર પુરાવા વગરની મહિલા સાયલા પોલીસને સોંપાઈ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી પોતે ભારતીય હોવાના કોઈ પણ આધાર પુરાવા ન ધરાવતી એક શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા નાગરિકને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લા વિસ્તારોમાં अपनी ઓળખ છુપાવીને રહેતા તેમજ ભારતીય હોવાના આધાર પુરાવા ન ધરાવતા શંકાસ્પદ પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢી પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઈન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સપેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ આધારે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ફતેસંગ પરમાર અને દિલીપસિંહ સિધવને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા પોલીસ સ્ટેશન હેઠળના અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગોસળ ગામની સીમમાં આવેલ 'દેવનારાયણ ભોજનાલય' ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં એક મહિલા શંકાસ્પદ જણાઈ આવતા સાયલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ ક્રિષ્નાબેન ઈશ્વરભાઈ પટેલને સ્થળ પર બોલાવાયા હતા.
મહિલા પોલીસ કર્મચારીની હાજરીમાં પુછપરછ કરતા તેણે પોતાનું નામ હસનેરા (પિતા: સમસુલહક્ક ગાજી, જાતે: મુસ્લિમ, રહે. બસતપુર, તા. બગચરા, જી. સરસા, બાંગ્લાદેશ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે ભારતીય નાગરિકત્વ ધરાવતા કોઈ આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શકી નહોતી. આથી આ શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને હસ્તગત કરી સાયલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સોંપી દેવામાં આવી છે.
(8:33 PM IST)










