<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘રંગ, રોશની અને રાજકોટ દિપાવલી ઉત્સવ’નો શુભારંભ

માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજીએ આકાશમાં રચી પ્રકાશના મનમોહક રંગોની અવનવી અદભૂત રંગોળીઓ :રેસકોર્સ રિંગ રોડ પર રોશની અને રેસકોર્સ મેદાનમાં ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા મેયર, ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનર: જાણો દિવાળી કાર્નિવલની હાઈલાઈટ્સ...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના જીવનમાં આનંદ, ઉમંગ અને ઉત્સાહના રંગો ઉમેરવા તથા દીપોત્સવીના પર્વને યાદગાર બનાવવા માટે તા.૬ થી ૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘રંગ, રોશની અને રાજકોટ દિપાવલી ઉત્સવ’ અંતર્ગત વિવિધ આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને આજે તા. ૦૬/૧૧/૨૦૨૬ નાં રોજ સાંજે કિશાનપરા ચોક, રેસકોર્સ ખાતેથી રેસકોર્સ રિંગ રોડ પરની રોશનીનો અને ત્યારબાદ રેસકોર્સ મેદાનમાં આયોજીત ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ અને આ પછી માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન, રેસકોર્સ ખાતે યોજાયેલ ભવ્ય આતશબાજીનો ગીતસંગીત સાથે ધૂમધડાકાભેર શુભારંભ કરાયો હતો.

   આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને.મેયર ડૉ.નેહલ શુક્લ, ધારાસભ્યઓ રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ,ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે,અંજલીબેન વિજયભાઈ રૂપાણી, રૂષભ વિજયભાઈ રૂપાણી, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ, ડી.સી.પી. હેતલબેન પટેલ, કોર્પોરેટરઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિપાવલી પર્વ પૂર્વે આજે યોજાયેલ આતશબાજીનાં કાર્યક્રમમાં અવનવા આકાશી ફટાકડાઓએ ગગનમાં પ્રકાશની મનમોહક અને ખૂબસૂરત એવી વિવિધ આકાર અને કદની અદભૂત રંગોળીઓ સર્જી ઉપસ્થિત નાગરિકોના મન પ્રફુલ્લિત કરી દીધા હતા.
આ શુભ અવસરે મેયર ડો. નેહલ શુક્લએ પ્રસંગોચિત વક્તવ્યમાં, મેદાનમાં હજજારોની સંખ્યામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા દિપાવલીનાં પર્વની શુભકામના પાઠવતા એમ કહ્યું હતું કે, દિવાળી એ માત્ર દીપ પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ પરસ્પર પ્રેમ, સ્નેહ, એકતા, ખુશીઓ અને નવી આશાઓની આપ-લે કરવાનો ઉત્સવ છે. આ પર્વને વધુ આનંદમય અને ઉત્સવસભર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રોશની, લેસર શો, આતશબાજી, રંગોળી સ્પર્ધા અને કાર્નિવલ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત આ વખતે બે નવા આકર્ષણો ઉમેરવામાં આવેલ છે. જેમાં ફૂડ ફેસ્ટિવલ અને ટેબ્લો કાર્નિવલ પરેડનું આયોજન કરાયું છે, ફૂડ ફેસ્ટિવલમાં લોકો લોકો મનગમતા સ્ટ્રીટ ફૂડનો આસ્વાદ માણી શકશે. 

  આ ઉપરાંત ટેબ્લો કાર્નિવલનું પણ આયોજન કરાયું છે જેનો શુભારંભ આવતીકાલે તા.૭મીએ સાંજે ૭:૦૦ વાગ્યે થનાર છે. આ ટેબલો પરેડ રેસકોર્સ રિંગ રોડ ફરતે ફરશે. ટેબ્લો કાર્નિવલમાં સામાજિક અને સાંસ્કૃતિક સંદેશાઓ સાથે મિકી માઉસ અને અન્ય પાત્રો જોવા મળશે. આ કાર્યક્રમો દ્વારા નાગરિકો અને તેમના પરિવારજનોને દિવાળીની રજાઓ દરમિયાન આનંદદાયક વાતાવરણમાં એકસાથે ઉત્સવની અનેરો ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થશે.
મેયરએ વધુમાં ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સને ૨૦૪૭ સુધીમાં “વિકસિત ભારત”નાં નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તે માત્ર કોઈ એકલાનો સંકલ્પ નથી. આ આપણા સૌનો સંકલ્પ છે. દેશને વિકસિત બનાવવામાં આપણે સૌએ પણ કોઈ ને કોઈ સંકલ્પ લઈને તેમાં યોગદાન આપવું એ આપણી ફરજ છે. આપણે સૌ આજે એક નાનકડો સંકલ્પ લઈએ કે, જાહેરમાં ક્યાંય પણ કચરો નહીં ફેંકીએ. માત્ર આ એક નાનકડા સંકલ્પથી આપણું રાજકોટ શહેર સ્વચ્છ અને સુંદર બનશે.
આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે મંચસ્થ મહાનુભાવોનું સુતરની આંટીથી સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ અને વાઈસ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળાએ કર્યું હતું, તથા આભારવિધિ મનીષભાઈ ભટ્ટએ કરી હતી.
(૧) તા.૬ નવેમ્બર, શુક્રવાર – ધનતેરસના દિવસે સાંજે ૦૬:૦૦ કલાકે રેસકોર્ષ રિંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલ રોશનીનો શુભારંભ
રાજકોટવાસીઓ માટે દિવાળીના ઉત્સવની શરૂઆત રોશની અને સ્વાદના અનોખા સંગમ સાથે થયો હતો.. રોશનીથી ઝળહળતો રેસકોર્સ વિસ્તાર દિવાળીના ઉત્સવને અનુરૂપ સુંદર અને મનમોહક વાતાવરણ સર્જાયું હતું. રંગબેરંગી લાઇટિંગ અને ઉત્સવી વાતાવરણથી સજ્જ રેસકોર્સ રિંગ રોડ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
(૨) તા.૬ નવેમ્બર, શુક્રવાર–ધનતેરસના દિવસે સાંજે ૦૬:૧૫ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રી રમેશભાઈ પારેખ રંગદર્શન ખાતેથી ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ. (ફૂડ ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે)
દિવાળી પર્વ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણવા ઇચ્છતા નાગરિકો માટે ફૂડ ફેસ્ટિવલ વિશેષ આકર્ષણરૂપ બનશે. દિવાળીની રજાઓ દરમિયાન રોશનીની રોનક અને વિવિધ વાનગીઓના સ્વાદ સાથે નાગરિકો ઉત્સવનો આનંદ માણી શકશે. જેનો શુભારંભ તા.૦૬-૧૧-૨૦૨૬ના રોજ સાંજે ૦૬:૧૫ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રી રમેશભાઈ પારેખ રંગદર્શન ખાતેથી કરવામાં આવેલ છે. આ ફૂડ ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની વાનગીઓ માટેના સ્ટોલ બનાવવામાં આવેલ છે. જ્યાં લોકો ખાણીપીણીની જુદીજુદી વાનગીઓનો સ્વાદ માણી શકશે.
આમ, દિવાળી પર્વના પ્રારંભિક દિવસથી જ રોશની, સ્વાદ અને આનંદનો ત્રિવેણી સંગમ સર્જીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઉત્સવમય વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે. 
(૩) તા.૬ નવેમ્બર, શુક્રવાર – ધનતેરસ નિમિત્તે ભવ્ય આતશબાજી અને લેસર શો
દિવાળીના પવિત્ર પર્વના મહત્વપૂર્ણ દિવસ ધનતેરસ નિમિત્તે તા. ૬ નવેમ્બર, ૨૦૨૬, શુક્રવારના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજી અને લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધનતેરસના શુભ અવસરે આયોજિત આ કાર્યક્રમમાં આકાશમાં રંગબેરંગી આતશબાજીના નયનરમ્ય નજારા અને આધુનિક લેસર શોની આકર્ષક રજૂઆતથી ઉત્સવની ખુશીઓમાં વિશેષ ઉમેરો થયો છે. પ્રકાશ અને રંગોની મનમોહક રજૂઆત સાથે સમગ્ર વાતાવરણ દિવાળીના ઉમંગ અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું.
 (૪) તા.૭ નવેમ્બર, શનિવાર – કાળી ચૌદસ નિમિત્તે રંગોળી સ્પર્ધા અને છ ફ્લોટસ સાથે ટેબ્લો  કાર્નિવલનું ઉદ્ઘાટન (ટેબ્લો કાર્નિવલ તા.૭ અને ૮ નવેમ્બર, ૨૦૨૬ એમ બે દિવસ સુધી યોજાશે.)
દિવાળીના ઉત્સવને કલાત્મકતા, સર્જનાત્મકતા અને આકર્ષક પ્રસ્તુતિઓથી વધુ રંગીન બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૭ નવેમ્બર, ૨૦૨૬, શનિવારના રોજ કાળી ચૌદશ નિમિત્તે રેસકોર્ષ રિંગ રોડ ફરતે રંગોળી સ્પર્ધા તથા છ ફ્લોટ સાથે ટેબ્લો કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ સાંજે ૦૭:૦૦ કલાકે યોજાશે.
રંગોળી એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું અભિન્ન અંગ છે. રંગો, આકૃતિઓ અને સર્જનાત્મક કલ્પનાઓના સમન્વયથી તૈયાર થતી રંગોળી દિવાળીના પર્વની સુંદરતા અને શુભતામાં વધારો કરે છે. આ પરંપરાને પ્રોત્સાહન આપવા આયોજિત રંગોળી સ્પર્ધામાં કલાપ્રેમીઓ અને સહભાગીઓ પોતાની કલાત્મક પ્રતિભા તથા સર્જનાત્મકતાને પ્રદર્શિત કરી શકશે. રંગોળીના વિવિધ રંગો અને આકર્ષક આકૃતિઓ ઉત્સવના વાતાવરણને વધુ મનમોહક બનાવશે.
આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ છ ફ્લોટસ સાથે આયોજિત ટેબ્લો કાર્નિવલનું ઉદ્ઘાટન રહેશે. આકર્ષક ફ્લોટ્સ અને કાર્નિવલની વિશિષ્ટ રજૂઆત દિવાળીની ઉજવણીમાં નવો ઉમંગ ઉમેરશે. કાર્નિવલના માધ્યમથી નાગરિકોને ઉત્સવની ભવ્યતા, સર્જનાત્મકતા અને મનોરંજનનો અનોખો અનુભવ માણવાની તક મળશે.
ટેબ્લો કાર્નિવલ તા. ૭ અને ૮ નવેમ્બર, ૨૦૨૬ એમ બે દિવસ સુધી યોજાશે. આથી નાગરિકો બંને દિવસ દરમિયાન કાર્નિવલની આકર્ષક રજૂઆતો અને ઉત્સવી વાતાવરણનો આનંદ માણી શકશે.
કાર્યક્રમની વિગતો:
• તારીખ: ૭ નવેમ્બર, ૨૦૨૬, શનિવાર
• સમય: સાંજે ૦૭:૦૦ કલાકે
• મુખ્ય આકર્ષણ: રંગોળી સ્પર્ધા અને છ ફ્લોટસ સાથે ટેબ્લો કાર્નિવલનું ઉદ્ઘાટન
• કાર્નિવલની તારીખો: ૭ અને ૮ નવેમ્બર, ૨૦૨૬
દિવાળીના પર્વને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકાની પહેલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ તમામ કાર્યક્રમોનો હેતુ શહેરના નાગરિકોને ઉત્સવની ખુશીઓમાં સહભાગી બનાવી, ઉમળકાભેર જોડવાનો સાંસ્કૃતિક અને કલાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો તથા શહેરમાં આનંદમય અને ઉત્સવસભર વાતાવરણનું નિર્માણ કરવાનો છે.
દિવાળીના પર્વને અનુરૂપ રોશનીથી ઝળહળતા રસ્તાઓ, સ્વાદિષ્ટ વાનગીઓથી ભરપૂર ફૂડ ફેસ્ટિવલ, ધનતેરસની ભવ્ય આતશબાજી અને લેસર શો, કાળી ચૌદસની રંગોળી સ્પર્ધા તથા છ ફ્લોટસ સાથેનો ટેબ્લો  કાર્નિવલ—આ તમામ આયોજન રાજકોટવાસીઓ માટે ઉત્સવની ખુશીઓને અનેકગણી વધારનારા બની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા શહેરના નાગરિકોને આ તમામ કાર્યક્રમોમાં પરિવારજનો અને મિત્રો સાથે સહભાગી બની દિવાળીના પર્વની ખુશીઓ માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે

(10:23 PM IST)