તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 20th April 2026
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ ભાજપના ઈશારે કામ કરતા હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ : કલેક્ટરને રજૂઆત
શહેર પોલીસના અમુક કર્મચારીઓ દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરી હરીફ પક્ષના ટેકેદારો અને મતદારોને ધમકાવી ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ થતો હોવાની રાજકોટ કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની ઉગ્ર ફરિયાદ

રાજકોટ:રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ એ. જાડેજા દ્વારા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને એક પત્ર લખીને ગંભીર પ્રકારની લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં શહેર પોલીસ તંત્રના કેટલાક ચોક્કસ કર્મચારીઓ શાસક પક્ષ ભાજપના ઈશારે કામ કરી રહ્યા હોવાનો અને લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા હોવાનો સીધો આરોપ લગાવવામાં આવ્યો છે.
ગેરબંધારણીય કૃત્ય અંગે કડક કાર્યવાહીની માંગ:
ડો. રાજદીપસિંહ જાડેજાએ કરેલી રજૂઆત મુજબ, રાજકોટ શહેર પોલીસના ખાસ કરીને ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા અમુક ચોક્કસ કર્મચારીઓ દ્વારા ભાજપના ઈશારે સમગ્ર ચૂંટણી તંત્રને પ્રભાવિત કરવામાં આવી રહ્યું છે. આ કર્મચારીઓ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને હરીફ પાર્ટીઓના ટેકેદારો, સમર્થકો અને સામાન્ય મતદારોને ધમકાવી રહ્યા છે. આ પ્રકારના ગેરબંધારણીય કૃત્યો દ્વારા શહેરનું શાંત વાતાવરણ ડહોળવાનો અને મુક્ત તેમજ ન્યાયી રીતે યોજાનારી ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ખોટી ફરિયાદો અને પોલીસ તંત્રની બદનામી:
કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું છે કે, પોલીસના આવા કર્મચારીઓ હરીફ પાર્ટીના લોકોને ખોટી ફરિયાદોમાં ફિટ કરી શાસક ભાજપ પક્ષના વહાલા થવા માટે મહેનત કરી રહ્યા છે. આવા કૃત્યોથી સમગ્ર શહેર પોલીસ તંત્રની છબી ખરડાઈ રહી છે. જો આવા કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કડક અને ન્યાયોચિત કાર્યવાહી કરવામાં નહીં આવે, તો રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે ચૂંટણી લડવી મુશ્કેલ બની જશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.
કલેક્ટર સમક્ષ ન્યાયની અપેક્ષા:
આ પત્રમાં જિલ્લા કલેક્ટરને ચૂંટણી અધિકારી અને ન્યાયિક વડા હોવાના નાતે વિનંતી કરવામાં આવી છે કે, તેઓ પોતાની બંધારણીય ફરજ નિભાવે અને રાજકોટ શહેરમાં મુક્ત અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણીઓ સંપન્ન થાય તેવું સુનિશ્ચિત કરે. આ મામલે જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરી યોગ્ય પગલાં ભરવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગ્રહભરી રજૂઆત કરવામાં આવી છે.
(4:49 PM IST)










