News of Wednesday, 15th April 2026
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપે રામાનંદી સાધુ સમાજની દીકરીને ટિકિટ આપતા સમાજમાં હર્ષની લાગણી
વોર્ડ નં. ૧૭માં રસીલાબેન વૈષ્ણવને ઉમેદવાર જાહેર કરાતા રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભાજપને સંપૂર્ણ સમર્થન જાહેર કરાયું

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રામાનંદી સાધુ સમાજની નોંધ લેવામાં આવતા સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા વોર્ડ નંબર ૧૭માં કોર્પોરેટર તરીકે રામાનંદી સાધુ સમાજની દીકરી શ્રીમતી રસીલાબેન હસમુખભાઈ વૈષ્ણવને ટિકિટ આપવામાં આવતા, ‘સમસ્ત રામાનંદી યુવા સમાજ ટ્રસ્ટ-રાજકોટ' દ્વારા ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
દાયકાઓ બાદ રાજકીય ક્ષેત્રે રામાનંદી સાધુ સમાજની યોગ્ય નોંધ લેવામાં આવી હોવાનું જણાવતા ટ્રસ્ટના હોદ્દેદારોએ ઉમેર્યું હતું કે, રાજકોટમાં જ આ સમાજના ૧૫ હજારથી વધુ પરિવારો અને ૫૦હજારથી વધુ મતદારો વસે છે. ભાજપે જે રીતે સમાજ પર વિશ્વાસ મૂકયો છે, તેનાથી સમગ્ર સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે. આ નિર્ણય બદલ ભાજપ પક્ષનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આગામી ચૂંટણીમાં રામાનંદી સાધુ સમાજ તન, મન અને ધનથી ભાજપ સાથે ખભેખભો મિલાવીને કામ કરશે અને જંગી બહુમતીથી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે મતદાન વધારવાના કાર્યો કરશે તેવું ટ્રસ્ટ દ્વારા યાદીમાં જણાવાયું છે.
હિતેશભાઈ રામાવત, હરસુખભાઈ દેવમુરારી, અનંતરાય નૈનુજી, કિશોરભાઈ નિમાવત, કરણભાઈ કુબાવત, અશોકભાઈ ટીલાવત, રાજુભાઈ દેવમુરારી અને સિદ્ધાર્થ લશ્કરી નજરે પડે છે. (તસ્વીર : અભીજીત બગથરીયા)
(3:38 PM IST)










