<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ખૂન કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૩.૫૦ લાખની લાંચ માંગનાર રાજકોટ તાલુકાના તત્કાલીન PI ચંદુલાલ ગોસાઈને બે વર્ષની સખત કેદ

મોટા મવા ગામના હત્યા કેસમાં શકમંદ તરીકે નામ ન લખવા માટે લાંચ લેતા ઝડપાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરને નામદાર સેશન્સ કોર્ટે ૧૦ હજારનો દંડ અને જેલની સજા ફટકારી

રાજકોટ:રાજકોટની નામદાર સેશન્સ કોર્ટે ભ્રષ્ટાચારના એક ગંભીર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ચંદુલાલ પુંજગર ગોસાઈને દોષિત ઠેરવી બે વર્ષની સખત કેદની સજા અને કુલ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો વર્ષ ૨૦૧૦નો છે, જ્યારે આરોપી પોલીસ વિભાગમાં વર્ગ-૨ ના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.

શું હતી સમગ્ર ઘટના?

વર્ષ ૨૦૧૦માં મોટા મવા ગામે એક ખૂનનો ગુનો નોંધાયો હતો, જેની તપાસ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન PI ચંદુલાલ પુંજગર ગોસાઈ કરી રહ્યા હતા. આ તપાસ દરમિયાન તેમણે ફરિયાદીનું નામ શકમંદ તરીકે મુકવાની ધમકી આપી હતી. ફરિયાદીને આ કેસમાંથી બચાવવા માટે PI ગોસાઈએ ૫,૦૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને જો પૈસા ન આપે તો કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. અંતે રકઝકના અંતે ૩,૫૦,૦૦૦ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

ACB ની ટ્રેપ અને ધરપકડ:

લાંચની રકમ પૈકી ૨,૦૦,૦૦૦ રૂપિયા ફરિયાદીએ તા. ૦૧/૦૨/૨૦૧૦ ના રોજ આપી દીધા હતા, જ્યારે બાકીના ૧,૫૦,૦૦૦ રૂપિયા તે જ દિવસે રાત્રે દસ વાગ્યા સુધીમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપવાના હતા. આ દરમિયાન ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબી ફિલ્ડ રાજકોટના તત્કાલીન PI કે.બી. ઝાલાએ પંચની હાજરીમાં ટ્રેપ ગોઠવી હતી, જેમાં PI ગોસાઈ ૧,૫૦,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ન્યાયિક પ્રક્રિયા અને સજાનો હુકમ:

આ કેસની તપાસ તત્કાલીન PI બી.વી. જાની દ્વારા કરવામાં આવી હતી અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. રાજકોટ સેશન્સ કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી નીચે મુજબની સજા ફટકારી છે:

  કલમ ૭ મુજબ: ૧ વર્ષની સખત કેદ અને ૫,૦૦૦ રૂપિયા દંડ (દંડ ન ભરે તો વધુ ૧ માસની સજા).

  કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(૨) મુજબ: ૨ વર્ષની સખત કેદ અને ૫,૦૦૦ રૂપિયા દંડ (દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદ).

એસીબી દ્વારા જનતાને આહવાન કરવામાં આવ્યું છે કે જો કોઈ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે તો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અથવા વોટ્સએપ નંબર ૯૦૯૯૯ ૧૧૦૯૫ પર સંપર્ક કરવો.

(9:35 PM IST)