તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
ધોમધખતા તાપે રાજકોટ શેકાયું, પવન પણ બફારા સામે લાચાર
બપોરે ૨:૩૦ વાગ્યે તાપમાનનો પારો ૩૮ ડિગ્રીએ પહોંચતાં આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ-બફારાથી શહેરીજનો ત્રાહિમામ

રાજકોટ, તા. ૩ : આજે ગરમીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બપોરના સમયે સૂર્યના આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ અને બફારાએ શહેરીજનોને પરેશાન કરી દીધા હતા. બપોરે ૨:૩૦ વાગ્યે શહેરનું તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં સમગ્ર શહેર જાણે ગરમીની ભઠ્ઠીમાં શેકાતું હોય તેવો અહેસાસ થયો હતો.
ગરમીનો પ્રકોપ એટલો અનુભવાઈ રહ્યો હતો કે ઘરની બહાર નીકળતા જ આકરા તાપનો સામનો કરવો પડતો હતો. પવનની ગતિ ૧૨ કિ.મી. પ્રતિ કલાક નોંધાઈ હોવા છતાં ઉકળાટ અને બફારામાં કોઈ ખાસ રાહત અનુભવાતી નહોતી. બપોરના સમયે રસ્તાઓ પર અવરજવર કરતા લોકો ગરમીથી અકળાઈ ઊઠ્યા હતા.સૂર્યના સીધા તાપ અને વાતાવરણમાં અનુભવાતા બફારાના કારણે શહેરીજનો પરેશાન થઈ ગયા હતા. ગરમીના આકરા મિજાજે સામાન્ય જનજીવનને પણ અસર કરી હતી. બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવાની સ્થિતિ વચ્ચે રાજકોટવાસીઓ ગરમીમાંથી રાહત મળે તેની રાહ જોઈ રહ્યા છે.
(3:09 PM IST)










