<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

રાજકોટમાં ચાલૂ સીઝનનો અત્‍યાર સુધીમાં માત્ર ૬ ઇંચ વરસાદ

ગયા વર્ષ જુલાઇ-ર૦રપ સુધીમાં રર ઇંચ પડી ગયો હતો : રાજકોટમાં અત્‍યાર સૂધીનો ૩૦ વર્ષનો સૌથી ઓછો વરસાદ આ વર્ષે નોંધાયો છે : કલેકટરે પણ પત્રકારો સાથેની વાતચીતમાં ચિંતા વ્‍યકત કરીઃ ચાલૂ વર્ષે સૌથી વધૂ ધોરાજીમાં ૩૬ ટકાઃ સૌથી ઓછો જસદણ ૭.૭૯ ટકા

 

રાજકોટ, તા. ર૩: શહેરમાં વાદળો ઘેરાય છે, પવન ફૂંકાય છે પરંતુ મુશળધાર વરસાદ વરસતો નથી. રાજકોટમાં અષાઢ મહિનાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં ચોમાસું સાવ સૂકુંભઠ છે. હવામાન વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, રાજકોટમાં ચાલુ વર્ષે અત્‍યાર સુધીમાં સિઝનનો માત્ર છ ઇંચ વરસાદ જ નોંધાયો છે. જે ગયા વર્ષની સરખામણીએ ચિંતાજનક રીતે ઘણો ઓછો છે. જ્‍યારે ગયા વર્ષે એટલે કે જુલાઈ-૨૦૨૫ સુધીમાં રાજકોટમાં ૨૨ ઇંચ વરસાદ પડી ગયો હતો. સૌરાષ્‍ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆત અત્‍યંત નિરાશાજનક રહી છે. હવામાન વિભાગ અને સ્‍થાનિક આંકડાઓ મુજબ, આ વર્ષે જુલાઈ માસ પૂર્ણ થવા આવ્‍યો હોવા છતાં રાજકોટમાં અત્‍યાર સુધીનો છેલ્લા ૩૦ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

જે ખેડૂતોએ શરૂઆતના હળવા વરસાદમાં વાવણી કરી દીધી હતી, તેઓ હવે પાક બચાવવા માટે વરસાદની ચાતક ડોકે રાહ જોઈ રહ્યા છે.બીજી તરફ, રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્‍ય જળાશયો (જેમ કે આજી-૧, ભાદર અને ન્‍યારી ડેમ)માં પાણીની આવક નહિવત જેવી થઈ છે. જો ઓગસ્‍ટ મહિનામાં સારો વરસાદ નહીં થાય, તો આગામી દિવસોમાં જળસંકટ ઘેરું બનવાની પૂરેપૂરી શકયતા છે. હવામાન નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી સિસ્‍ટમ્‍સ સક્રિય ન થવાને કારણે સૌરાષ્‍ટ્રમાં ચોમાસું નબળું રહ્યું છે.

આ ઉપરાંત, દક્ષિણ-પશ્નિમ તરફથી આવતા ભેજવાળા પવનોની દિશા બદલાઈ ગઈ છે અને તે દક્ષિણ ગુજરાત તથા મહારાષ્‍ટ્ર તરફ ફંટાઈ ગયા છે. ચોમાસાની ધરી સમાન ગણાતો ઓફ-શોર ટ્રફ (દરિયાઈ પટ્ટી પરનો ભેજનો પટ્ટો) નબળો પડવાના કારણે વાદળો બંધાવા છતાં રાજકોટ સુધી પહોંચતા પવનો તેનો ભેજ સૂકવી નાખે છે.

કલેકટરે પણ આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઓછા વરસાદ અંગે ચિંતા વ્‍યકત કરી હતી.

રાજકોટ જિલ્લાનો ચાલૂ મોસમનો વરસાદ

ધોરાજી ૩૬.૩૧ ટકા, ગોંડલ                 ૨૯.૩૮ ટકા, જામકંડોરણા ૨૦.૮૬ ટકા, જસદણ ૭.૭૯ ટકા, જેતપુર ૨૪.૩૯ ટકા, કોટડા સાંગાણી ૨૩.૪૨ ટકા, લોધીકા                ૨૪.૪૪ ટકા, પડધરી ૧૬.૫૨ ટકા, રાજકોટ ૧૭.૫૩ ટકા, ઉપલેટા                  ૨૧.૭૬ ટકા, વીંછિયા ૯.૭૬ ટકા,  કુલ                       ૨૨.૦૩ ટકા.

(2:38 PM IST)