તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
રાજકોટ લોકમેળોઃ કુલ ૨૨૮ સ્ટોલની અપસેટ પ્રાઇઝમાં રૂા.૨ હજારથી ૧૨ હજાર સુધીનો તોતીંગ વધારોઃ તંત્રને પણ મોંઘવારી નડી ગઇ!!
સ્ટોલના ભાડા વધતા સ્ટોલ ઇચ્છુકોમાં દેકારોઃ આવતા અઠવાડિયે રેસકોર્ષમાં મીટીંગઃ તંત્રને આવેદન પાઠવશે : સોમવારથી તોરલ બિલ્ડીંગ-ઇન્ડીયન બેંક ખાતેથી ફોર્મ વિતરણઃ આખા મેળામાં કુલ ૫૫ થી ૬૦ વોચ ટાવરઃ સીસીટીવી કેમેરાથી કાર્યવાહી પોલીસ કરશે.. : તમામ પ્રકારના ટેન્ડર બહાર પડી ગયા ૧૨૫ જેટલા ખાનગી સિકયોરીટી જવાનો ત્રણ વિશ્રામ બોકસઃ ડ્રોન કેમેરાનો AI થી ઉપયોગઃ ઉદઘાટન માટે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને આમંત્રણઃ તા.૨ સપ્ટેમ્બરથી લોકમેળો ધમધમશે

રાજકોટ , તા.૧૭: શહેરના કલેકટર તંત્ર આયોજીત જગવિખ્યાત લોકમેળાના આયોજનને લઈને વહીવટી તંત્ર અનેક મહત્વના નિર્ણયો લીધા છે.મેળો શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને ભવ્ય રીતે યોજાય તે માટેની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા લોકમેળાના સુચારૂ આયોજન માટે પ્રાંત-૧ અધિકારી (સિટી પ્રાંત-૧) પાસેથી મેળો યોજવા અંગેની તમામ વિગતો અને બ્રીફિંગ મંગાવી લીધું છે અને હવે કલેકટરની સૂચના બાદ મેળાના સુચારૂ આયોજનની કામગીરી હાથ ધરાશે.
મેળામાં વેપાર-ધંધો કરવા ઈચ્છતા નાના-મોટા વેપારીઓ, રમકડાના સ્ટોલ ધારકો, ખાણી-પીણીના સંચાલકો તેમજ રાઈડ્સ માલિકો માટે આગામી સોમવારથી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.અરજદારોએ તોરલ બિલ્ડિંગ, ઈન્ડિયન બેંક (કોર્ટ રોડ પાસે) આ નિયત સ્થળેથી જ ફોર્મ મેળવવાના રહેશે અને ત્યાં જ જરૂરી વિગતો ભરીને જમા કરાવવાના રહેશે. આ માટે તંત્ર દ્વારા નાયબ મામલતદાર, તલાટી અને કારકુન એમ ત્રણ ટિમો નિયત કરવામાં આવી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૮ જુલાઈ નક્કી કરવામાં આવી છે.
આ વર્ષે મેળો માણવા આવતા લોકોની સાથે-સાથે ત્યાં સ્ટોલ રાખવા ઈચ્છતા વેપારીઓ પર પણ મોંઘવારીની અસર જોવા મળશે. મળતી માહિતી મુજબ, લોકમેળાના અલગ-અલગ કેટેગરીના ૨૨૮ સ્ટોલની અપસેટ પ્રાઈઝમાં ચાલુ વર્ષે રૂ. ૨,૦૦૦ થી લઈને રૂ. ૧૨,૦૦૦ સુધીનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.રમકડાં, આઈસ્ક્રીમ અને નાની ખાણી-પીણીની કેટેગરીના સ્ટોલની બેઝ પ્રાઈઝમાં રૂ. ૨,૦૦૦ થી રૂ. ૫,૦૦૦ સુધીનો વધારો થઈ શકે છે.કોમર્શિયલ પ્લોટ અને મોટા સ્ટોલની કિંમતોમાં રૂ. ૫,૦૦૦ થી રૂ. ૮,૦૦૦ નો વધારો તોળાઈ રહ્યો છે તેમજ મેળાનું મુખ્ય આકર્ષણ ગણાતી મોટી રાઈડ્સના પ્લોટની અપસેટ પ્રાઈઝમાં સૌથી વધુ એટલે કે રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૧૨,૦૦૦ સુધીનો વધારો થવાની પ્રબળ શકયતા છે. આ બાબતને લઇ સ્ટોલ ધારકોમાં દેકારો બોલી ગયો છે અને આવતા અઠવાડિયે તમામ સ્ટોલ ધારકો રેસકોર્ષમાં મિટિંગ કરવાનું આયોજન કરી રહ્યા છે.
મેળાના સફળ અને સુઆયોજિત સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ મહત્વના વિભાગો જેવા કે સિકયુરિટી, સફાઈ અને મંડપ સહિતના વિવિધ ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યા છે. મેળામાં આ વર્ષે ૧૨૫ જેટલા ખાનગી સિકયુરીટી ગાર્ડ તૈનાત રહેશે.મેળાના ખૂણે-ખૂણા પર નજર રાખવા માટે હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.એક સેન્ટ્રલ મોનિટરિંગ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવશે જ્યાંથી તમામ ગતિવિધિઓ પર નજર રખાશે.
મેળાના મેદાનમાં તૈનાત કરવામાં આવેલા ખાસ ડ્રોન માત્ર વિડિયો રેર્કોડિંગ નહીં કરે, પરંતુ તે એઆઈ સોફ્ટવેરથી સજ્જ હશે.મેળાના કયા ભાગમાં માણસોની સંખ્યા ક્ષમતા કરતાં વધી રહી છે, તેનું રિયલ-ટાઇમ એનાલિસિસ કરીને આ ડ્રોન કંટ્રોલ રૂમને એલર્ટ મોકલશે, જેથી ત્યાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાતી અટકાવી શકાય.આ ઉપરાંત મેળા દરમિયાન કચરાના નિકાલ માટે ચોવીસ કલાક સફાઈ કામદારો શિફ્ટ વાઈઝ કામ કરવા મહાનગરપાલિકાને સૂચના આપવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે આ વર્ષે ૧૪ મુખ્ય ટાવરની સાથે ૩૬ સાઉન્ડ ટાવર ઊભા કરાશે, અને ત્રણ ખાસ વિશ્રામગળહો પણ તૈયાર કરવામાં આવશે. તેમજ કલેકટર દ્વારા ૧૦૦ જેટલા મામલતદાર, નાયબ મામલતદાર તથા કારકૂન- પટ્ટાવાળાના લોકમેળા માટે સ્પેશિયલ ઓર્ડર આપવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.લોકમેળા પત્ર લખી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ વર્ષે પણ લોકમેળાનું બપોરે જ ઉદ્ધઘાટન કરવામાં આવશે તેમ અધીકારી વતુર્ળો ઉમેરી રહયા છે.
(2:58 PM IST)










