<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

રાજકોટ ડિવિઝનની ગૌરવવંતી સિદ્ધિ: લવણપુર-નવલખી રેલખંડમાં આધુનિક UFSBI સિસ્ટમનું સફળતાપૂર્વક કમિશનિંગ

રેલવે સેફ્ટી અને તકનીકી ઉત્કૃષ્ટતા વધારવા પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.

રાજકોટ : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે સેફ્ટી અને તકનીકી ઉત્કૃષ્ટતા પ્રત્યેની પોતાની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા તાજેતરમાં લવણપુર–નવલખી રેલખંડમાં પ્રચલિત નોન-બ્લોક ટેલિફોન (NBT) બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટના સ્થાને અત્યાધુનિક યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ (UFSBI) નું સફળતાપૂર્વક કમિશનિંગ કરીને એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે. રેલવે મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ડિવિઝન દ્વારા બ્લોક સિગ્નલિંગ સિસ્ટમના આધુનિકીકરણની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સિગ્નલિંગ સિસ્ટમને અત્યાધુનિક બનાવવા માટે અનેકવિધ મહત્વના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. નવલખી સ્ટેશન પર પરંપરાગત વીજ પુરવઠાના સ્થાને STATCON નિર્મિત ઇન્ટિગ્રેટેડ પાવર સપ્લાય (IPS) સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી વીજ પુરવઠાની વિશ્વસનીયતામાં મોટો વધારો થયો છે. આ ઉપરાંત, લવણપુર–નવલખી રેલખંડમાં ડિજિટલ એક્સલ કાઉન્ટર સિસ્ટમ (DACs) તથા નવલખી સ્ટેશન પર આધુનિક નેટવર્ક ડેટા લોગર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે ટ્રેનોની ઉપસ્થિતિની ચોક્કસ દેખરેખ અને ઝડપી ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.

આ તકનીકી અપગ્રેડેશનના પ્રમુખ લાભો વિશે વાત કરતા રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ નવીન પ્રણાલીથી રેલવે સેફ્ટી અને સિગ્નલિંગ સિસ્ટમની વિશ્વસનીયતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ માનવ ભૂલોની શક્યતા નહિવત થઈ જશે. આનાથી ટ્રેનોના સુરક્ષિત અને સુચારુ સંચાલનને મજબૂતી મળશે તેમજ માલવાહક ગ્રાહકોને વધુ ભરોસાપાત્ર અને ગુણવત્તાયુક્ત રેલ સેવાઓ પ્રાપ્ત થશે.

આ સફળતા અંગે ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, "સેફ્ટી ભારતીય રેલવેની આધારશિલા છે અને આધુનિક ટેકનોલોજી તેને સશક્ત બનાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે." અગાઉ રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે માળખાને સુદ્રઢ કરવા માટે વિવિધ સેક્શન્સમાં અનેકવિધ આધુનિક પ્રણાલીઓ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ ડિવિઝન દ્વારા મુસાફરોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે નેટવર્કના વધુ વિસ્તારોમાં આવી જ અદ્યતન તકનીકો અપનાવવાની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.

(10:41 AM IST)