તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા એનડીપીએસ કેસોના ડિટેકશન-તપાસ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રાજકોટ રેન્જની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્યના અધ્યક્ષસ્થાને રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળના કેસોના ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન તથા કન્વિક્શન વિષય પર એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમ દરમ્યાન વક્તા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા દ્વારા એન.ડી.પી.એસ. એકટની મહત્વની જોગવાઇઓ, રેઇડ તથા સર્ચની કાનૂની કાર્યવાહી, મુદ્દામાલ જતી અને સેમ્પલિંગની પ્રક્રિયા, પંચનામું ચેઇન ઓફ કસ્ટડી, એફ.એસ.એલ. રિપોર્ટ ચાર્જશીટ સમયે રાખવાની કાળજી અંગે વિસ્તળત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા તપાસમાં રહી જતી નાની ક્ષતિઓને કારણે આરોપીઓ કોર્ટમાંથી છૂટી ન જાય અને વધુમાં વધુ કેસોમાં સજા (કન્વિક્શન) થાય તે માટે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે અંગે ઉદાહરણો સાથે સમજ આપવામાં આવી હતી. પોલીસ અધિક્ષકશ્રી વિજયસિંહ ગુર્જરે ઉપસ્થિત અધિકારી-કર્મચારીઓને જણાવ્યું હતું કે નાર્કોટિક્સના દુષણને જડમૂળથી નાબૂદ કરવા દરેક પોલીસ સ્ટેશને સતર્ક રહી, બાતમીદારોનું નેટવર્ક મજબૂત બનાવી અસરકારક કામગીરી કરવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જસદણ ડિવિઝનઃ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી નવીન ચક્રવર્તી (IPS) રાજકોટ ગ્રામ્ય : નાયબ પોલીસ અધિક્ષક વી. જે. વ્યાસ, ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા, જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર. એ. ડોડીયા, એસ.સી./એસ.ટી. સેલઃ નાયબ પોલીસ અધિક્ષક શ્રીજીતા પટેલ તથા મુખ્ય વક્તાઃ એડવોકેટશ્રી ભગીરથસિંહ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીલ્લાના ૨૪ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓ તથા તમામ પો.સ.ઇ.શ્રીઓ તથા તમામ પોલીસ સ્ટેશનના રાઇટરો તથા ડી-સ્ટાફના કર્મચારીઓ સહિત કુલ-૨૫૦ જેટલા અધિકારીશ્રીઓ -કર્મચારીઓ આ તાલીમમાં જોડાયા હતા.
(3:40 PM IST)










