<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

સેન્‍ટ્રલ બેન્‍ડ ડિજીટલ કરન્‍સીમાં રાજકોટ પૂરવઠા જીલ્લો રાજયભરમાં ફર્સ્‍ટઃ ૧૪૯ દૂકાનોમાં તપાસઃ ૧૦ સીઝ કરાઇ

૩૮ હજાર કાર્ડ હોલ્‍ડરોને વનનેશનનો લાભઃ જીલ્લા પૂરવઠાની બેઠક મળી..

રાજકોટ, તા.૧૯: સપ્‍ટેમ્‍બર - રાજકોટ જિલ્લા કલેક્‍ટર શ્રી ડો. ઓમ પ્રકાશની અધ્‍યક્ષતામાં આજ રોજ રાજકોટ શહેર - જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પ્રધાનમંત્રી પોષણ યોજનાની જિલ્લાકક્ષાની સ્‍ટીયરિંગ કમ મોનીટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.

રાજકોટ જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્‍ટર સંબંધિત અધિકારીઓ સાથે રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો, આવશ્‍યક ચીજવસ્‍તુઓના જથ્‍થા, પુરવઠા અને વહેંચણી, ‘વન નેશન, વન રાશન કાર્ડ' યોજના, વાજબી ભાવની દુકાનોની તપાસ, રાશન કાર્ડ ઈ.કે.વાય.સી. સહિતના તાલુકાવાર અહેવાલ અંગે ચર્ચા કરી હતી. આ તકે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજય ઝાપડાએ રાશન કાર્ડ ઈ.કે.વાય.સી.ની કામગીરી ૯૮.૬૮% પૂર્ણ થઈ હોવાનું તેમજ સી.બી.ડી.સી. (સેન્‍ટ્રલ બેન્‍ક ડિજિટલ કરન્‍સી)ની કામગીરીમાં ગુજરાતભરમાં રાજકોટ જિલ્લો અગ્રેસર હોવાનું જણાવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ઓગસ્‍ટ, ૨૦૨૬ અંતિત કુલ ૩.૦૭ લાખ રાશન કાર્ડ હેઠળ આશરે ૧૧.૭૯ લોકોનો સમાવેશ કરાયો છે.

 કુલ ૩૮ હજારથી વધુ લાભાર્થીઓએ ‘વન નેશન, વન રાશન' કાર્ડ યોજનાનો લાભ લીધો છે. તેમજ અધિકારીઓ દ્વારા ૧૪૯ વાજબી ભાવની દુકાનોની તપાસણી કરવામાં આવી હતી, જે પૈકી ૧૦ દુકાનો સીઝ કરાઇ હતી.

બેઠકમાં  જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્‍યો  ડો. દર્શિતાબેન શાહ અને  રમેશભાઈ ટીલાળા, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી આર. આર. ફૂલમાળી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  દિક્ષિતભાઈ પટેલ, અગ્રણી મનોજભાઈ રાઠોડ સહિત અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(2:59 PM IST)