તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 9th July 2026
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કાર ચોરતી હાઈટેક ગેંગને પકડી: માત્ર પાંચ જ મિનિટમાં લાખોની કાર ગાયબ કરી દેતા
કોઈ ચાવી નહીં, કોઈ વાયર કાપવાની ઝંઝટ નહીં, માત્ર એક મેગ્નેટ,એક બ્લૂટૂથ ડિવાઇસ અને મોબાઈલમાં એક એપ્લિકેશનના ઉપયોગથી કાર થઈ જતી સ્ટાર્ટ:પોલીસે ત્રણ ચોરાઉ કાર, બ્લૂટૂથ ડિવાઇસ, મેગ્નેટ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ :સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ પર આંખ બંધ કરીને ભરોસો થાય છે ત્યાં ટેક્નોલોજીના દુરુપયોગથી વાહનચોરીની ઘટનાઓ ચિંતાજનક સ્તરે પહોંચી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં એક એવી હાઈટેક ગેંગને પકડી પાડી છે, જે માત્ર પાંચ જ મિનિટમાં લાખોની કાર ગાયબ કરી દેતા હતા. કોઈ ચાવી નહીં, કોઈ વાયર કાપવાની ઝંઝટ નહીં, માત્ર એક મેગ્નેટ,એક બ્લૂટૂથ ડિવાઇસ અને મોબાઈલમાં એક એપ્લિકેશનના ઉપયોગથી કાર થઈ જતી સ્ટાર્ટ..અને માલિકને ખબર પડે ત્યાં સુધી ચોરો શહેરના સીમાડા ઓળંગી જતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપી હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરીને ફરાર હતો તે દરમિયાન તે કાર ચોરીની ઘટનાને અંજામ આપતો હતો.
પોલીસની તપાસમાં આ ગેંગની કામ કરવાની પદ્ધતિ ચોંકાવનારી રહી છે. આરોપીઓ ખાસ કરીને સુઝુકી કંપનીની કારને પોતાનો ટાર્ગેટ બનાવતા હતા. તેમની મોડસ તેઓ સૌથી પહેલા કારનો કાચ તોડીને કારની અંદર પ્રવેશતા હતા. જે બાદ સ્ટીયરિંગની નીચે એક ખાસ શક્તિશાળી મેગ્નેટ મૂકીને સ્ટીયરિંગ લોકને અનલોક કરી નાખતા હતા. ત્યારબાદ મોબાઈલમાં રહેલી 'DiagZone Pro' નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતા. આ એપને બ્લૂટૂથ ડિવાઈસ દ્વારા કારના સીસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવતી, જેનાથી કારનું સુરક્ષા કવચ તૂટી જતું.આ આખી પ્રક્રિયામાં માત્ર 5 મિનિટ જેટલો સમય લાગતો અને કાર માલિકને જાણ થાય તે પહેલાં ચોરો શહેરની સરહદ ઓળંગી જતા.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મુકેશકુમાર મેઘવાલ અને સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાન નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સલામ ઉર્ફે છોટિયો એ રાજસ્થાનના જોધપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસનો આરોપી છે, જે 2026માં પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. જ્યારે મુકેશકુમાર મેઘવાલ સામે પણ સુરેન્દ્રનગર, વલસાડ અને કચ્છમાં વાહનચોરીના ચાર ગુનાઓ નોંધાયેલા છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓ પાસેથી ત્રણ ચોરાઉ કાર, બ્લૂટૂથ ડિવાઇસ, મેગ્નેટ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગેંગના પકડાવવાથી સુરેન્દ્રનગર, મહેસાણા અને જામનગરમાં નોંધાયેલા વાહનચોરીના ત્રણ ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. હાલમાં બંને આરોપીઓના રિમાન્ડ મેળવીને પોલીસ વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે, જેથી રાજ્યના અન્ય જિલ્લાઓમાં થયેલી ચોરીઓમાં તેમની સંડોવણી સામે આવી શકે.
(9:00 PM IST)










