તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 30th April 2026
રાજકોટ શહેર- જીલ્લાના VVIP મંદિરો- સબ સ્ટેશનો- સરકારી કચેરીઓ- ધાર્મિક સ્થળો ઉપર ‘ડ્રોન' ઉડાડવા પર પ્રતિબંધ
એડી. કલેકટરનું જાહેરનામુઃ તમામ જવેલર્સ- આંગડિયા પેઢી- પેટ્રોલપંપ-હોસ્ટેલ ખાતે સીસીટીવી કેમેરા ફરજીયાત

રાજકોટ તા.૩૦: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સલામતી, શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. આ આદેશો આગામી ૧ મે ૨૦૨૬ થી ૩૦ જૂન ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
રાજકોટ ગ્રામ્યના વાઈટલ ઈન્સ્ટોલેશન, વી.વી.આઈ.પી. રહેણાક અને મહત્વની સરકારી કચેરીઓ આસપાસ ડ્રોન, હેલિકોપ્ટર કે પેરાગ્લાઈડર ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. ખોડલધામ અને જલારામ મંદિર જેવા ધાર્મિક સ્થળોના ૧ થી ૨ કિમી વિસ્તારને ‘‘રેડ ઝોન'' જાહેર કરાયો છે. તમામ જ્વેલર્સ, આંગણીયા પેઢી, પેટ્રોલ પંપ, મંદિર, હોસ્ટેલ અને મલ્ટીસ્ટોર ખાતે નાઈટ વિઝન અને હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવા આદેશ કરાયો છે. આ ડેટાનો ૩૦ દિવસનો બેક-અપ રાખવો ફરજિયાત છે.
કોઈ પણ મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપતા પહેલા સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ ભરીને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત, પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખતા પહેલા તેમની નાગરિકતાની ચકાસણી અને પોલીસ વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે. બાળકોના મળત્યુના કિસ્સા અટકાવવા માટે બિનવપરાશી બોર-કુવાને યોગ્ય રીતે ઢાંકવા અથવા પૂરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જૂના મોબાઈલ, સાયકલ કે ટુ-વ્હીલરના વેચાણકર્તાઓએ ખરીદનારની ઓળખના પુરાવા મેળવી રજિસ્ટર નિભાવવાનું રહેશે.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી અને સજા કરવામાં આવશે.
(2:54 PM IST)










