તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
રાજકોટ જીલ્લા કાનુની સતા મંડળ દ્વારા રાજકોટ શહેર-જીલ્લાની મેગા લોક- અદાલત યોજાઇ
કુલ ૩૭ હજાર કેસો મુકાયાઃ બપોર સુધીમાં ૫૦ ટકા કેસોનો નિકાલઃ અકસ્માત વળતરના કેસોમાં કરોડોની રકમના એવોર્ડ અપાયાઃ બેંક, મ્યુનિ.કોર્પો, જી.ઇ.બી.ના કેસોમાં લાખો રૂપિયાની રીકવરીઃ લોક- અદાલતના માધ્યમથી પક્ષકારો વિવાદ મુકત બને છેઃ ડીસ્ટ્રીકટ જજ જે.આર. શાહ

રાજકોટ :.. આજે સવારે ડીસ્ટ્રીકટ જજ શ્રી જે. આર. શાહ દ્વારા લોક-અદાલતનું ઉદ્્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગેઅન્ય ન્યાયાધીશો ઉપરાંત રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમિત વોરા સહિતાન હોદ્ેદારો-સીનીયર જુનિયર વકીલો તેમજ મહિલા વકીલો ઉપસ્થિત રહ્યા હતાં.
એમ.એ.સી.પી. કેસના સ્પે.જજ પ્રિયંકા અગ્રવાલ દ્વારા અકસ્માત કેસોમાં સમાધાન
રાજકોટઃ એમ એ સી પી સ્પેશિયલ ટ્રીબ્યુનલ જજ શ્રી પ્રિયંકા અગ્રવાલ સમાધાન નોંધતા નજરે પડે છે. તેમજ અરજદારના વકીલશ્રી આર.આર. મહેતા તથા તેમના અરજદાર નજરે પડે છે.
ઇન્ડિયન બેંકના કર્મચારીઓ લોક અદાલત દરમ્યાન કોર્ટમાં આવી અરજદારોના ખાતા ખોલતા નજરે પડે છે.
અકસ્માત ઇજાના કેસમાં ૬ર લાખનું વળતર
રાજકોટઃ હેમાલીબેન મલયભાઇ પારેખને વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતા વીમા કંપનીએ ૬ર લાખ સમાધાન કરી ચૂકવ્યા.
રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આજે રાજકોટ શહેર જીલ્લા-તાલુકા મથકોની મેગા-લોક-અદાલત યોજાઇ હતું.
આ લોકો અદાલતમાં અંદાજે ૩૭ હજાર કેસો મુકાયા હતાં. આજે સવારે ૧૦-૩૦ કલાકે ડીસ્ટ્રીકટ જજ શ્રી શાહે લોક અદાલતનું ઉદ્્ઘાટન કરીને ખુલ્લી મુકી હતી.
લોક અદાલતની કાર્યવાહી શરૂ થયા બાદ પ્રથમ બે કલાકમાં ૪૦ ટકા અને બપોરના ત્રણ વાગ્યા સુધીમાં અંદાજે પ૦ ટકાથી વધુ કેસોનો નિકાલ કરાયો હોવાનું જાણવા મળે છે.
આજે યોજાયેલ લોક અદાલતમાં અકસ્માત વળતરના કેસોમાં કરોડોની રકમના એવોર્ડ મજૂર કરાયા હતાં તો રીકવરીના કેસોમાં લાખો રકમની રીકવરી સરકારી સંસ્થાઓ જેવી કે, જીઇબી મ્યુનિ. કોર્પોરેશનની ફેવરમાં કરાઇ હતી.
જયારે ટ્રાફિકને લગતા કેસોમાં ઇ-મેમાં જેઓને અપાયેલ તેમાં પણ મોટી રકમની રીકવરી થયાનું જાણવા મળે છે.
આજે રાજકોટ ઉપરાંત વિવિધ તાલુકા મથકોએ પણ લોક અદાલતોનું આયોજન કરાયું હતું. રાજકોટ શહેર જીલ્લાની મેગા લોક અદાલતો વકીલો અને ન્યાયાધીશો તેમજ કન્સીલીટર્સની સમજાવટથી કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતાં. અગાઉ વકીલોએ લોક અદાલતનો બહિષ્કાર કરવાનું નકકી કરેલ પરંતુ રાજકોટના યુનિટ જજ અને હાઇકોર્ટ જજ વોરા સાથે વકીલોની યોજાયેલ મીટીંગ બાદ લોક અદાલતનો બહિષ્કાર કરવાનો નિર્ણય વકીલોએ બાર એસો.ની મીટીંગ બોલાવીને મૌકૂફ રાખ્યો હતો. જેના કારણે આજની લોક અદાલતને સારી એવી સફળતા મળી હતી.
ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા આજે રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવેલ સદર લોક-અદાલતમા દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવ્યા હતા.
સદર લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (૨) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ ( ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્ક લેણા ના કેસો (૪) મોટર અકસ્માત વળતરને લગતા કેસો (૫) લગ્નવિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદન ને લગતા કેસો (૮) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો ( ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૦) અન્ય સમાધાન લાયક કેસો લોક અદાલતમાં મુકાયા હતા.
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહી તેમજ કોઈ નો પરાજય નહી તેવી પરીસ્થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે.
આજે યોજાયેલ લોક-અદાલતમાં બાર. એસો.ના પ્રમુખ સુમિત વોરા ઉપપ્રમુખ સિધ્ધરાજ સિંહ જાડેજા સેક્રેટરી નિલેષ પટેલ સહિતના હોદેદારો- કારોબારી સભ્યો ઉપરાંત એમ.એ.સી.પી. બાર,ના વકીલો, મ્યુનિ, જી.ઇ.બી. અને બેંક તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ લોક-અદાલતને સફળ બનાવવા જીલ્લા કાનુની સેવા-સતા મંડળના કે.બી. રાઠોડ સહિતના કોર્ટ-કર્મચારી મંડળના સભ્યો વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
(2:24 PM IST)










