તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 9th May 2026
રાજકોટ ‘હોટપોટ' બન્યું: પારો ૪૩.૬ ડિગ્રીએ પહોંચતા રંગીલું શહેર અગનભઠ્ઠીમાં ફેરવાયું!
સૂર્યદેવનો પ્રકોપઃ બપોરે ૨:૩૦ વાગ્યે સિઝનનું રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું, રસ્તાઓ સુમસામ અને આકાશમાંથી વરસી ‘લૂ'

રાજકોટ, તા. ૯ : રંગીલા રાજકોટ વાસીઓ આજે ગરમીના પ્રકોપથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે બપોરે ૨:૩૦ કલાકે શહેરનું તાપમાન ૪૩.૬ ડિર્ગ્રીં સેલ્સિયસ નોંધાતા ચાલુ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ સાબિત થયો છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેમ આકરા તડકા અને ગરમ પવનોએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. બપોરના સમયે રાજકોટના રાજમાર્ગો પર ટ્રાફિક નહિવત જોવા મળ્યો હતો.
સવારથી જ સૂર્યનારાયણે આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું હતું. બપોર થતા-થતા તો સ્થિતિ એવી સર્જાઈ કે ટુ-વ્હીલર ચાલકો માટે રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું હતું. ગરમ લૂ ને કારણે લોકોએ મોઢે રૂમાલ અને ચશ્મા પહેરીને જ બહાર નીકળવું પડ્યું હતું. બપોરે ૨:૩૦ વાગ્યે જ્યારે ગરમીનો પારો ૪૩.૬ ડિગ્રીએ પહોંચ્યો, ત્યારે રાજકોટ જાણે અગનભઠ્ઠીમાં શેકાતું હોય તેવો અનુભવ થતો હતો.
શહેરના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને રેસકોર્સ વિસ્તારમાં બપોરના સમયે અઘોષિત કરફયુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગરમીથી બચવા લોકોએ શેરડીના રસ, છાશ અને ઠંડા પીણાના સહારે આશરો લીધો હતો. હવામાન વિભાગના મતે આગામી ૨૪ કલાક હજુ પણ ગરમીનું જોર યથાવત રહી શકે છે.
(3:37 PM IST)










