તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
રાજકોટ આજીડેમ પોલીસે વધુ એક વખત રિક્ષાગેંગ ઝડપી: બે શખ્સ ઝડપાયા : જુઓ વિડિયો
રિક્ષામાં પેસેન્જર બેસાડી ‘ઉલ્ટી’ કરવાના બહાને રોકડ સેરવી લેતાં: ડીસીપી હેતલ પટેલ ,એસીપી બી.વી. જાધવની સૂચના હેઠળ આજીડેમ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ અને પીએસઆઇ વી.જી. ડોડિયાની ટીમની કામગીરી: પીયૂષભાઈ, ગોપાલભાઈ, હરપાલસિંહની બાતમી

રાજકોટ: શહેરમાં પેસેન્જર રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગનો આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે પર્દાફાશ કર્યો છે. રીક્ષામાં મુસાફરોને બેસાડ્યા બાદ ઉલ્ટી કરવાના બહાને ધક્કામુક્કી કરી ખિસ્સા હળવા કરતી આ શાતિર ટોળકીના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે
જાણવા મળ્યા મુજબ તા. ૧૨/૦૫ના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના અરસામાં ફરિયાદી સ્વાતિ પાર્ક મેઈન રોડથી ગોંડલ ચોકડી જવા માટે એક રીક્ષામાં બેઠા હતા. આ રીક્ષામાં ડ્રાઈવર સહિત ત્રણ લોકો પહેલેથી જ પેસેન્જર તરીકે બેઠેલા હતા. રીક્ષા ચાલુ થયા બાદ ગોંડલ ચોકડી ઓવરબ્રીજ સુધી પહોંચતા વચ્ચે બેઠેલા શખ્સોએ વારંવાર ઉલ્ટી થવાનું બહાનું કાઢી ફરિયાદી સાથે ધક્કામુક્કી કરી હતી અને તેમને ઓવરબ્રીજ પર ઉતારી દીધા હતા. ત્યારબાદ ફરિયાદીએ પોતાનું ખિસ્સું તપાસતા તેમાંથી ૧૫,૦૦૦ની રોકડ રકમ ગાયબ જણાઈ હતી. આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી હેતલ પટેલ (ઝોન-૧) અને એસીપી બી.વી. જાધવ (પૂર્વ વિભાગ)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ અને પો.સબ ઇન્સ. વી.જી. ડોડિયાની રાહબારીમાં સર્વેલન્સ સ્ક્વોડની અલગ-અલગ ટીમો તપાસમાં હતી. તે દરમિયાન આજીડેમ પોલીસના પો.હેડ કોન્સ. પિયુષભાઈ ચિરોડીયા, ગોપાલભાઈ બોળીયા અને પો.કોન્સ. હરપાલસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે આ ગુનાના બે આરોપીઓ ભકુલ અંકુભાઈ ચૌહાણ (ઉં.વ. ૩૦, રહે. યુવરાજનગર શેરી નં. ૦૧, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ) અને રાહુલ જતીનભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૩, રહે. યુવરાજનગર શેરી નં. ૦૧, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ)ને ઝડપી લેવાયા છે.
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બજાજ કંપનીની સીએનજી રીક્ષા નં. GJ-23-AV-1364, કિંમત ૫૦,૦૦૦ અને ચોરી થયેલી રોકડા ૧૫,૦૦૦ મળીને કુલ ૬૫,૦૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ગુનામાં સામેલ અન્ય એક આરોપી હજુ પકડવાનો બાકી હોઇ પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
(9:59 PM IST)










