<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

કેન્‍સર દર્દીઓ માટે રાજકોટ એઈમ્‍સમાં રૂા. ૩૯ કરોડની અદ્યતન સારવાર સુવિધાનો પ્રારંભ

જે.પી. નડ્ડાના હસ્‍તે વર્ચ્‍યુઅલ લોકાર્પણ : હવે કેન્‍સરની આધુનિક સારવાર માટે અમદાવાદ-મુંબઈનાં ધક્કા ઘટશે રેડિયોથેરાપી, કીમોથેરાપી અને સર્જરીની સંકલિત સુવિધાથી દર્દીઓને એક જ સ્‍થળે મળશે વ્‍યાપક સારવાર : આયુષ્‍માન ભારતના પાત્ર લાભાર્થીઓને નિઃશુલ્‍ક સારવાર

રાજકોટ : સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના કેન્‍સરના દર્દીઓ માટે આરોગ્‍ય ક્ષેત્રે મોટા રાહતના સમાચાર છે. રાજકોટ સ્‍થિત એઈમ્‍સ ખાતે રૂ.૩૯ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી અદ્યતન રેડિયોથેરાપી સુવિધાનું કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાના હસ્‍તે વર્ચ્‍યુઅલ લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ નવી સુવિધા કાર્યરત થતાં હવે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના કેન્‍સરના દર્દીઓને આધુનિક અને ચોકસાઈપૂર્ણ સારવાર પોતાના જ પ્રદેશમાં ઉપલબ્‍ધ બનશે. અત્‍યાર સુધી કેન્‍સરની અદ્યતન સારવાર માટે અમદાવાદ, મુંબઈ કે પુણે જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે રાજકોટમાં જ અત્‍યાધુનિક સારવારની સુવિધા ઉપલબ્‍ધ થવાથી દર્દીઓનો સમય, મુસાફરીનો ખર્ચ અને આર્થિક બોજ ઘટશે.

એઈમ્‍સ રાજકોટ ખાતે શરૂ કરવામાં આવેલી આ સુવિધામાં હાઈ એનર્જી લીનિયર એક્‍સીલરેટર, વાઈડ બોર સીટી સિમ્‍યુલેટર અને એચડીઆર બ્રેકીથેરાપી યુનિટ જેવી અદ્યતન તબીબી ટેકનોલોજી ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. આ ટેકનોલોજીની મદદથી આઈએમઆરટી, વીએમએટી, આઈજીઆરટી, એસઆરએસ, એસઆરટી અને એસબીઆરટી જેવી આધુનિક રેડિયોથેરાપી પદ્ધતિઓ દ્વારા કેન્‍સરગ્રસ્‍ત ભાગને વધુ ચોકસાઈથી કિરણોત્‍સર્ગ આપી શકાશે. જેના કારણે આસપાસનાં સ્‍વસ્‍થ અંગો અને પેશીઓને થતી અસર મર્યાદિત રાખવામાં મદદ મળશે, તેમ યાદીમાં જણાવાયું છે.

લોકાર્પણ પ્રસંગે કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્‍યું હતું કે એઈમ્‍સ રાજકોટની આ સુવિધા ગુજરાત સહિત ખાસ કરીને સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં કેન્‍સરની સારવાર માટે મહત્ત્વપૂર્ણ સીમાચિホ સાબિત થશે. સરકારની પ્રાથમિકતા દરેક નાગરિકને સમયસર અને ઉચ્‍ચ ગુણવત્તાની આરોગ્‍ય સેવાઓ પૂરી પાડવાની છે. રેડિયોથેરાપી, કીમોથેરાપી અને સર્જિકલ સેવાઓના સંકલનથી દર્દીઓને એક જ સંસ્‍થામાં વ્‍યાપક કેન્‍સર સારવાર મળી શકશે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે આયુષ્‍માન ભારત યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને નિયમોનુસાર આ અદ્યતન રેડિયોથેરાપી સુવિધાનો નિઃશુલ્‍ક લાભ મળશે. જ્‍યારે અન્‍ય દર્દીઓ માટે પણ એઈમ્‍સ નવી દિલ્‍હી ખાતે લાગુ દર મુજબ રાહતદરે સારવાર ઉપલબ્‍ધ કરાવવાનું આયોજન છે. આમ, આ સુવિધા માત્ર આધુનિક સારવાર જ નહીં, પરંતુ સામાન્‍ય અને જરૂરિયાતમંદ પરિવારો માટે આર્થિક રીતે પણ રાહતરૂપ બનશે.

એઈમ્‍સ રાજકોટના પ્રેસિડેન્‍ટ પદ્મશ્રી પ્રો. ડૉ. જીવનસિંહ તિતિયાલે જણાવ્‍યું હતું કે કેન્‍સરની સારવારમાં સમય અત્‍યંત મહત્ત્વનો હોય છે. દર્દીઓને સારવાર માટે દૂર જવું ન પડે અને અદ્યતન સારવાર તેમની નજીક જ ઉપલબ્‍ધ બને તે જરૂરી છે. આ સુવિધા સમગ્ર સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

એઈમ્‍સ રાજકોટના એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર ડૉ. એલ.એન. દોરાઈરાજને જણાવ્‍યું હતું કે રૂ.૩૯ કરોડની આ સુવિધા સંસ્‍થાની આરોગ્‍ય સેવા, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે પ્રગતિનું મહત્ત્વપૂર્ણ સોપાન છે. આ સુવિધાથી દર્દીઓને આધુનિક સારવારની સાથે તબીબી વિદ્યાર્થીઓ અને નિષ્‍ણાતોને નવીનતમ ટેકનોલોજીની તાલીમ તથા કેન્‍સર સંશોધન માટે નવી તકો પણ મળશે.

આ સુવિધામાં રેડિયોથેરાપી સેવાઓને કીમોથેરાપી અને સર્જિકલ ઓન્‍કોલોજી સાથે સંકલિત કરવામાં આવશે. દર્દીના રોગનો પ્રકાર, તબક્કો અને આરોગ્‍યની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને નિષ્‍ણાતોની ટીમ દ્વારા સારવાર પૂરી પાડવામાં આવશે. આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્‍ય મંત્રી પ્રફુલ પાનશેરીયા, આરોગ્‍ય મંત્રાલયનાં સચિવ પુણ્‍ય સલિલા શ્રીવાસ્‍તવ, સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્‍યો ડૉ. દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરિયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:38 PM IST)