તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
રાજકોટમાં સોશિયલ મીડિયા પર એરફોર્સમાં નોકરી અપાવવાના નામે ઓનલાઈન છેતરપિંડી આચરનાર ઠગ ઝડપાયો: ફેક આઈડી બનાવી યુવક પાસેથી પોણા બે લાખ પડાવ્યા
ઈન્સ્ટાગ્રામ પર ભારતીય વાયુસેનાની પ્રખ્યાત 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ'નો લીડર ઓળખ આપી આચરાયું મોટું કૌભાંડ: ગાંધીગ્રામ-૨ પોલીસની સરાહનીય કામગીરી

રાજકોટ : સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ આપીને નાગરિકો સાથે ઠગાઈ કરવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાંથી એક ગંભીર સાયબર ક્રાઈમનો મારો સામે આવ્યો છે. રાજકોટમાં એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને ઓનલાઈન છેતરપિંડી આચરનાર એક ઠગ શખસને ગાંધીગ્રામ-૨ પોલીસે દબોચી લીધો છે. આ આરોપીએ સોશિયલ મીડિયા પર બનાવટી ઓળખ ઊભી કરી યુવક સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફેક આઈડી તૈયાર કર્યું હતું. આ ફેક આઈડીના માધ્યમથી તે પોતાને ભારતીય વાયુસેનાની અતિ પ્રતિષ્ઠિત 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ'નો લીડર તથા કર્ણાટકના બિદર એરબેઝ પર ફરજ બજાવતો હોવાનો ખોટો દાવો કરતો હતો. આ પ્રકારે સૈન્યની ઓળખ આપીને તેણે યુવકનો ભરોસો જીત્યો હતો અને એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ બેંક ખાતાઓ દ્વારા ટુકડે-ટુકડે કુલ રૂ. ૧,૯૫,૦૦૦ ની માતબર રકમ પડાવી લીધી હતી.
ભોગ બનનારને શંકા જતાં ઈ-સાયબર એફ.આઈ.આર. નોંધાવવામાં આવી હતી, જે અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.કે. ગોહિલ અને ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ૩૩ વર્ષીય પ્રતીક મહેશભાઈ ભારદ્વાજ નામના શખસની ધરપકડ કરવામાં આવી છે. નાણાવટી ચોક વિસ્તારમાં ભાડાના મકાનમાં રહીને ખાનગી ટ્રાવેલ એજન્સી ચલાવતો આ શખસ ઈન્સ્ટાગ્રામ પર એરફોર્સને લગતા વિંગ કમાન્ડરના રોલમાં પોતાના ફોટા અને વિડિયો અપલોડ કરી લોકોને ફસાવતો હતો. અગાઉ પણ તેના વિરુદ્ધ પ્રોહીબિશનના બે ગુના નોંધાયેલા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની નોકરીની લાલચમાં ન ફસાવા નાગરિકોને ખાસ અપીલ કરી છે.
(9:16 PM IST)










