News of Thursday, 14th May 2026
રાજકોટમાં ગોલીડાના રિક્ષાચાલકને મુસાફરના સ્વાંગમાં બે લુંટારૂ ભેટી ગયાઃ છરી બતાવી લૂંટ
અમુલ સર્કલ પાસેથી યાર્ડ સુધી જવા રિક્ષામાં બેઠેલા બે શખ્સે રિક્ષાચાલક જયંતિભાઇને ડરાવી ૨૦૧૦૦ની રોકડ પડાવી લીધીઃ થોરાળા પોલીસે બે શકમંદને સકાંજમાં લીધા

રાજકોટ તા. ૧૪:શહેરના ભાવનગર રોડ પર ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે. ધોળે દિવસે પેસેન્જર બનીને રિક્ષામાં બેઠેલા બે શખ્સોએ રિક્ષાચાલકને આંતરી છરી બતાવી રોકડ રકમની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ગુનો દાખલ કરી એક સગીર સહિત બે શકમંદને પકડી લઇ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં થોરાળા પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગોલિડા (આણંદપર) ગામે રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું પેટિયું રળતા જયંતિભાઇ તળશીભાઇ માલકીયા (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી બે અજાણ્યા શખસો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિાયદમાં જણાવાયા મુજબ તળશીભાઈ માલકિયા તા. ૧૨/૦૫ના રોજ પોતાની સીએનજી રિક્ષા લઈને આજીડેમ ચોકડીથી ચુનારાવાડ ચોક તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સવારના આશરે અગીયારેક વાગ્યે અમુલ સર્કલ પાસે બે અજાણ્યા શખ્સોએ રિક્ષાને હાથનો ઇશારો કરી ઉભી રખાવી હતી. આ બંને પોતાને માર્કેટિંગ યાર્ડ જવું છે તેમ કહી મુસાફર તરીકે બેસી ગયા હતાં.
રિક્ષા થોડે દૂર ચાલતા જ પેસેન્જરના સ્વાંગમાં રહેલા લૂંટારૂઓએ અસલી સ્વરૂપ ધારણ કર્યું હતું. રિક્ષાચાલકના જણાવ્યા મુજબ એક શખ્સ જેના કપાળ પર જૂના જખમનું નિશાન હતું, તેણે અચાનક પોતાના નેફામાંથી તીક્ષ્ણ છરી કાઢી ડરાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે બીજા શખ્સના જમણા હાથના કાંડા પર અંગ્રેજીમાં ટેટુ હતું. તેણે જયંતિભાઇને તે હલીચલી ન શકે એ રીતે પકડી લીધા હતાં. બાદમાં બંનેએ તારી પાસે જેટલા રૂપિયા હોય તે આપી દે કહેતાં જયંતિભાઇએ પૈસા આપવાની ના પાડતાં બળજરીથી તેના ખિસ્સામા઼થી ૨૦૧૦૦ની રોકડ લૂંટી લીધી હતી અને બંને ભાગી ગયા હતાં.
બાદમાં જયંભિાઇ ગભરાઇ ગયા હોઇ સીધા તેના વતન જતાં રહ્યા હતાં. એ પછી પરિવારજનોને ઘટનાની વાત કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં હેડકોન્સ. ડી. એચ. વાળા અને સ્ટાફે ગુનો નોંધ્યો હતો. ડી. સ્ટાફ પીએસઆઇ એમ. કે. મહેશ્વરી સહિતના સ્ટાફે બે શકમંદને ઉઠાવી લઇ તપાસ શરૂ કરી છે. જેમા સગીર છે.
(3:01 PM IST)










