તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
રૈયાધારમાં ૧૪ વર્ષના અમિત સાથે સાયકલ ભટકાવી કિશને પાણો માર્યોઃ માથામાં ફ્રેકચર
બહેનને શાળાએથી તેડવા જતો હતો ત્યારે બનાવઃ સાયકલ અથડાવી કિશન ગાળો દેતો હોઇ ના પાડતાં હુમલો કરી ભાગી ગયોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૩: રૈયાધારમાં રહેતો ૧૪ વર્ષનો ટેણીયો સાંજે સાયકલ હંકારી પોતાની બહેનને શાળાએથી તેડવા જતો હતો ત્યારે રસ્તામાં એક શખ્સે તેની સાથે સાયકલ ભટકાડી માથાકુટ કરીમાથામાં પથ્થર ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે. તબિબી તપાસમાં આ પથ્થરના ઘાને કારણે ટેણીયાને માથામાં ફ્રેકચર થઇ ગયું છે.
જાણવા મળ્યા મુજબ રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતાં અમિત લાલાભાઇ વઢીયારા (ઉ.વ.૧૪)ને સાંજે રૈયાધાર મછોમા ક્વાર્ટર પાસે કિશન નામના શખ્સે ઝઘડો કરી પથ્થર મારી દીધો હતો. તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ જે. એચ. જાડેજાએ હોસ્પિટલે પહોંચી અમિતના પિતા લાલાભાઇ રામુભાઇ વઢીયારાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.
લાલાભાઇ રૈયાધાર જોગણી માતાના મઢ પાસે ઝુંપડામાં રહેતા અને વેલ્ડિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની ફરિયાદ મુજબ તેમનો ૧૪ વર્ષનો પુત્ર અમિત સાંજના પાંચેક વાગ્યાના અરસામાં રૈયાધાર મચ્છુનગર ક્વાર્ટર પાસે કચરાપેટી નજીક સાયકલ ચલાવી રજઇ રહ્યો હતો. આ દરમિયાન કિશન ભરવાડ નામનો શખ્સ પોતાની સાયકલ લઈને સામેથી આવ્યો હતો અને અમિતની સાયકલ સાથે પોતાની સાયકલ ભટકાવી હતી. અમિતે તેને સાયકલ સરખી ચલાવ ને...તેમ કહેતા કિશન ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.
અમિતે ગાળો આપવાની ના પાડતા કિશને ઉશ્કેરાઈને રસ્તા પરથી એક મોટો પથ્થર ઉપાડી અમિતના માથામાં માર્યો હતો. પથ્થર વાગતા જ અમિતના માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી અને તે રસ્તા પર જ ઢળી પડ્યો હતો. હુમલો કરી કિશન ત્યાંથી નાસી છૂટયો હતો. ઘટનાની જાણ થતા જ લાલાભાઇ અને તેમની પત્નિ રાધાબેન સ્થળ પર દોડી ગયા હતા અને ૧૦૮ મારફતે લોહીલુહાણ હાલતમાં અમિતને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હોસ્પિટલમાં નિદાન બાદ તબિબે જણાવ્યું હતું કે અમિતને માથામાં જમણી બાજુએ ફ્રેક્ચર થયું છે. પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં એએસઆઇ જે. એચ. જાડેજાએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કિશન બે બહેનથી મોટો છે અને શાળા નં. ૯૧માં ૭મું ધોરણ ભણે છે. તે બહેન શાળાએથી છુટી હોઇ તેને તેડવા જતો હતો ત્યારે હુમલો થયો હતો.
(2:14 PM IST)










