News of Friday, 25th September 2026
રેલનગરની પરિણીતા માનસીબેને વર્ધમાનનગરમાં માવતરના ઘરે ૯મા માળેથી કૂદીને મોત મેળવ્યું
એસઆરપી કેમ્પ સામેના એપાર્ટમેન્ટમાં બનાવથી અરેરાટીઃ પતિ રેલનગરમાં સલૂન ચલાવે છે : પતિ-પત્નિ વચ્ચે નજીવી વાતે ચડભડ થતાં ગઇકાલે જ પિતા તેણીને પોતાના ઘરે તેડી લાવ્યા પછી તરત જ પગલુ ભરી લીધું: ત્રણ વર્ષના લગ્નજીવનનો કરૂણ અંતઃ એ પછી તરત જ પગલુ ભર્યુઃ યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૫: આત્મહત્યાની વધુ એક ઘટના શહેરમાં બની હતી. જેમાં રેલનગરમાં સાસરૂ ધરાવતી પરિણીતાએ એસઆરપી કેમ્પ સામે આવેલા એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે આવ્યા બાદ નવમા માળેથી કૂદીને મોત મેળવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પતિ-પત્નિ વચ્ચે શંકા બાબતે ચડભડ થતાં સાંજે જ તેણીને પિતા તેના સાસરેથી પોતાના ઘરે તેડી આવ્યા હતાં. એ પછી તરત જ તેણીએ આ પગલુ ભરી લીધુ હતું. આજે જ તેણીનો જન્મદિવસ હતો.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રેલનગરમાં પલ હોસ્પિટલ પાછળ મધુવન-૧માં રહેતી માનસીબેન મિલનભાઇ આંબલીયા-વાળંદ (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ સાંજે સાડા છથી પોણા સાતની વચ્ચે જામનગર રોડ એસઆરપી કેમ્પની સામે નવા ૧૫૦ રીંગ રોડ પર વર્ધમાન ગ્રીન એપાર્ટમેન્ટ સી-૯૦૨ ખાતેના નવા માળેથી છલાંગ લગાવી દેતાં ગંભીર હાલતમાં એઇમ્સ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ત્યાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ એઇમ્સ હોસ્પિટલ પોલીસ ચોકી ખાતેથી કોન્સ. પ્રિતેશભાઇ શૈલેષભાઇએ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ રમેશભાઇ વાઘેલા સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી અને એઇમ્સ ખાતેજ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પીએસઆઇ એચ. એમ. ચાવડા પણ પહોંચ્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર માનસીબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા રેલનગર મધુવનમાં રહેતાં મિલનભાઇ આંબલીયા સાથે થયા હતાં. તેણીને સંતાન નથી. પતિ મિલનભાઇ રેલનગરમાં હેર શલૂન ચલાવે છે. ગત સાજે પતિ-પત્નિ વચ્ચે ચડભડ થઇ હતી. પતિ પર કોઇ વાતે શંકા થતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
આ પછી માનસીબેને માવતરને જાણ કરતાં તેણીના પિતા તેને સાંજે જ રેલનગરથી પોતાના ઘરે વર્ધમાનનગરના પોતાના ફલેટ ખાતે તેડી લાવ્યા હતાં. માવતરે પહોંચ્યાની થોડી જ મિનીટો બાદ તેણીએ નવમા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જેના કારણે ગંભીર ઇજા થઇ હતી અને સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ દમ તોડી દીધો હતો. દંપતિ વચ્ચે નજીવી વાતે ચડભડ થતાં ત્રણ જ વર્ષના દામ્પત્ય જીવનનો કરૂણ અંત આવી ગયો હતો. કરૂણતા એ છે કે જન્મદિવસના આગલા દિવસે જ તેણીએ આપઘાત કરી લીધો હતો.
(4:15 PM IST)










